વેરાવળમાં 62 વર્ષથી રામધૂનની પરંપરા ચાલુ:સેલટેક્સ ઓફિસરે શરૂ કરેલું પ્રભાત ધૂન મંડળ આજે પણ સક્રિય
વેરાવળ શહેરમાં છેલ્લા છ દાયકાથી 'પ્રભાત ધૂન મંડળ' દ્વારા દર શનિવારે રામધૂનની પરંપરા અવિરતપણે ચાલી રહી છે. આ મંડળની શરૂઆત 62 વર્ષ પહેલા એક સેલટેક્સ અધિકારી દ્વારા કરવામાં આવી હતી, જે આજે પણ સક્રિય છે.આ મંડળની સ્થાપના 15 એપ્રિલ, 1964 (વૈશાખ સુદ બીજ) ના રોજ તત્કાલીન સેલટેક્સ અધિકારી કંચનલાલ ગટુરલાલ શાહ દ્વારા કરવામાં આવી હતી. તેમનો હેતુ શહેરમાં રામનામનો મહિમા વધારવાનો હતો, જેના ભાગરૂપે દર શનિવારે રાત્રે 10:30 થી 12:30 વાગ્યા સુધી રામધૂન શરૂ કરાઈ હતી.શાહ સાહેબે શરૂઆતમાં વેપારીઓ અને વડીલોને સાથે રાખીને જુદા જુદા લોકોના ઘરે જઈને રામધૂન કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે વધુ વેપારીઓ અને શ્રદ્ધાળુઓ આ કાર્યમાં જોડાતા ગયા. મંડળનો મુખ્ય હેતુ એ હતો કે, જો રાત્રે ધાર્મિક સ્થળોએ ન જઈ શકાય, તો કોઈના પણ ઘરે ભેગા થઈને રામધૂન દ્વારા જીવનમાં ભક્તિનો દીવો પ્રગટાવવો.આ પરંપરા અનુસાર, દર વર્ષે દિવાળી પછીના પહેલા શનિવારે શ્રી તપેશ્વર મંદિર ખાતે વિશેષ રામધૂનનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત, જો કોઈ પરિવાર ધૂન માટે આમંત્રણ આપે, તો મંડળના સભ્યો ત્યાં રામધૂન કરવા પહોંચી જાય છે.હાલમાં આ ધૂન મંડળમાં બહેનો અને બાળકોની સંખ્યા પણ વધી છે. રામધૂન સાથે ભજન, શ્રીનાથજીના ધોળ-કીર્તન અને જલારામ બાપાના ગુણગાન પણ ગવાય છે, જેનાથી વાતાવરણ ભક્તિમય બની જાય છે. કોરોના કાળ દરમિયાન પણ આ ધૂન બંધ રહી ન હતી અને સેવાભાવી સેવકના ઘરે અવિરતપણે ચાલુ રહી હતી.શનિવારે ધૂન કરાવવા માટે શ્રી પ્રભાત ધૂન મંડળનો સંપર્ક કરવા માટે શ્રદ્ધા ઇન્વેસ્ટમેન્ટના શૈલેષભાઈ રાયઠઠ્ઠા અથવા વ્યંકટેશ બુક સ્ટોલના ભાવીનભાઈ ઠકરારનો સંપર્ક કરી શકાય છે.
Read Original Article →