ઈદ પૂર્વે વેરાવળમાં પોલીસનો ફૂટમાર્ચ:કાયદો-વ્યવસ્થા જાળવવા અને અસામાજિક તત્વોને સંદેશ

Gujarat5/27/2026, 5:31:58 PM
ઈદ પૂર્વે વેરાવળમાં પોલીસનો ફૂટમાર્ચ:કાયદો-વ્યવસ્થા જાળવવા અને અસામાજિક તત્વોને સંદેશ
આગામી ઈદ પર્વને ધ્યાનમાં રાખીને વેરાવળ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા વેરાવળ સિટી પોલીસે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. તહેવારો દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી શહેરના મુખ્ય માર્ગો અને બજાર વિસ્તારોમાં ફૂટમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. વેરાવળ સિટી પોલીસ સ્ટેશનથી શરૂ થયેલી આ ફૂટમાર્ચ શહેરના મુખ્ય બજારો, રાજમાર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. આ દરમિયાન પોલીસ અધિકારીઓ અને જવાનોએ વિવિધ વિસ્તારોમાં ચાંપતી નજર રાખી હતી અને જાહેર સ્થળોએ સુરક્ષાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ ફૂટમાર્ચમાં વેરાવળ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવી, જે.જે. પટેલ, સર્વેલન્સ સ્ક્વોડના પી.એસ.આઈ. રાયજાદા, પ્રજાપતિ, ચાવડા સહિતના પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. પોલીસ દળની સક્રિય ઉપસ્થિતિથી નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બની હતી. પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરનાર અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ, નાગરિકોને શાંતિ, સૌહાર્દ અને ભાઈચારા સાથે તહેવાર ઉજવવા અપીલ કરવામાં આવી હતી. વેરાવળ પોલીસે જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન સતત પેટ્રોલિંગ, ચેકિંગ અને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ નજર રાખવામાં આવશે, જેથી શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે.
Read Original Article →