તાંત્રિક વિધિના નામે રૂ. 76.66 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયો:8 દિવસના રિમાન્ડ મંજૂર; જમીનમાંથી હીરા, માણેક અને સોનું બહાર કાઢી આપવાનું કહી ઠગાઈ આચરી હતી

Gujarat5/12/2026, 3:22:43 PM
તાંત્રિક વિધિના નામે રૂ. 76.66 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયો:8 દિવસના રિમાન્ડ મંજૂર; જમીનમાંથી હીરા, માણેક અને સોનું બહાર કાઢી આપવાનું કહી ઠગાઈ આચરી હતી
વેરાવળ સીટી પોલીસે તાંત્રિક વિધિના બહાને રૂ. 76.66 લાખની છેતરપિંડીના મુખ્ય આરોપી આરીફ ગફાર ઉર્ફે ભૂરો વરિયાળીને મુંબઈથી ઝડપી પાડ્યો છે. કોર્ટે આરોપીના આઠ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે, જેથી પોલીસ વધુ ઊંડી તપાસમાં જોતરાઈ છે. વેરાવળના ભીડિયા વિસ્તારમાં રહેતી એક માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, જાન્યુઆરી 2024માં પારિવારિક ઓળખાણ ધરાવતા આરીફ ઉર્ફે ભૂરો વરિયાળીએ તેમને એક 'અઘોરી તાંત્રિક' વિશે જણાવ્યું હતું. આરોપીએ મહિલાને વિશ્વાસ અપાવ્યો હતો કે, ઉનાના આમોદ્રા ગામના મસાણ નજીક જમીનમાં હીરા, માણેક અને સોનાથી ભરેલા ચરુ દટાયેલા છે, જે ખાસ તાંત્રિક વિધિ દ્વારા બહાર કાઢી શકાય છે. આરોપીએ મહિલાને પ્રભાસ પાટણ ખાતે એક કથિત અઘોરી બાબા સાથે મળાવ્યા હોવાનું નાટક રચી વધુ વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ વિધિ માટે સોનાના નાગ, ખોડિયાર માતાની મૂર્તિ, ચાંદીની થાળી, દાગીના તથા રોકડ રકમની જરૂર હોવાનું કહી અલગ અલગ સમયે લાખો રૂપિયાની વસૂલી કરવામાં આવી હતી. મહિલાએ વેરાવળની વિવિધ જ્વેલર્સ દુકાનોમાંથી 115 ગ્રામના ત્રણ સોનાના નાગ, સોનાના દાગીના, ચાંદીના આભૂષણો, ખોડિયાર માતાની સોનાની મૂર્તિ તેમજ 48 તોલા જેટલું શુદ્ધ સોનું ખરીદી આરોપીને સોંપ્યું હતું. આ ઉપરાંત, તાંત્રિક વિધિ માટે રૂ. 25 લાખ રોકડા પણ આપ્યા હતા. આમ કુલ રૂ. 76,66,645ની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સમય પસાર થતાં કોઈ વિધિ ન થતા અને આરોપી સતત બહાના બતાવતો રહેતાં મહિલાને છેતરાયાની શંકા ગઈ હતી. જ્યારે પૈસા અને દાગીના પરત માંગ્યા ત્યારે આરોપીએ ધમકી આપી હતી કે ફરી સંપર્ક કરશો તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. આ ઘટના અંગે વેરાવળ સીટી પોલીસે છેતરપિંડીનો ભોગ બનેલી મહિલાની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ IPC કલમ 420, 120(B) અને 507 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસનીશ અધિકારી સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવી આ કેસની વધુ તપાસ કરી રહ્યા છે. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, મુખ્ય આરોપી આરીફ ઉર્ફે ભૂરો વરિયાળી મુંબઈ ખાતે એન.ડી.પી.એસ. એક્ટના ગુનામાં જેલમાં બંધ હતો. જેના આધારે ગીર સોમનાથ પોલીસે કોર્ટની પરવાનગી મેળવી આરોપીનો કબ્જો મેળવ્યો હતો. ત્યારબાદ વેરાવળ સીટી પોલીસની ટીમ મુંબઈ પહોંચી આરોપીને ઝડપી લાવી હતી. હાલ પોલીસ આરોપીની આગવી ઢબે પૂછપરછ કરી રહી છે. સાથે જ કથિત અઘોરી બાવાની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ જ મોડસ ઓપરેન્ડીથી અન્ય કોઈ લોકોને શિકાર બનાવ્યા છે કે કેમ તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
Read Original Article →