વેરાવળ બંદર નજીક દુકાનમાં ભીષણ આગ:પેટ્રોલ પંપ પાસે ઠંડા પીણાં અને પ્રોવિઝન સ્ટોર બળીને ખાખ, લાખોનું નુકસાન, મોટી દુર્ઘટના ટળી
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર વિસ્તારમાં વહેલી સવારે એક દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી. જેટી નજીક પેટ્રોલ પંપની બિલકુલ સામે આવેલી ઠંડા પીણાં અને પ્રોવિઝન સ્ટોરમાં લાગેલી આગને કારણે આસપાસના રહીશોમાં ભારે દહેશતનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર વિભાગની સમયસૂચકતા અને ત્વરિત કામગીરીને કારણે એક મોટી હોનારત ટળી હતી. મોડી રાત્રે અઢી વાગ્યે સર્જાઈ ઘટના
પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના મોડી રાત્રે અંદાજે 2:30 વાગ્યાની આસપાસ બની હતી. અહીં ચેતન સુયાણી નામના યુવકની માલિકીની પ્રોવિઝન સ્ટોરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. શરૂઆતમાં દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર દુકાનને પોતાની લપેટમાં લીધી હતી. ફાયર ફાઈટરોની ભારે જહેમત
ઘટના અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક 112 ઇમર્જન્સી સેવા મારફતે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ વેરાવળ ફાયર બ્રિગેડના જવાનો જીતેન્દ્રસિંહ ગોહિલ, વિક્રમ ખાટાણા અને ભાવેશ ચાવડા સહિતનો કાફલો વોટર બ્રાઉઝર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. પેટ્રોલ પંપ નજીક હોવાથી જાનહાનિનો ભય
આ ઘટનાનું સૌથી ચિંતાજનક પાસું એ હતું કે આગ જે દુકાનમાં લાગી હતી, તે પેટ્રોલ પંપની ખૂબ જ નજીક આવેલી હતી. આગની ઉંચી જ્વાળાઓ અને ધુમાડાને કારણે સ્થાનિકોમાં એવો ભય હતો કે જો આગ પેટ્રોલ પંપ સુધી પહોંચશે તો મોટી જાનહાનિ સર્જાઈ શકે છે. પરંતુ ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને પગલે આગ આગળ વધતી અટકી હતી. નુકસાનીનો અંદાજ
આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ દુકાનમાં રાખેલો ઠંડા પીણાંનો સ્ટોક, કરિયાણું, ફ્રિઝ તેમજ અન્ય ઇલેક્ટ્રિક સાધનો સહિતનો તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો છે. પ્રાથમિક અંદાજ મુજબ વેપારીને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક અનુમાન
ફાયર વિભાગ અને પોલીસની પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વેરાવળ બંદર જેવા ગીચ અને વ્યસ્ત વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે, અને બજારોમાં ઇલેક્ટ્રિક સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા અંગે ફરી ચર્ચાઓ જાગી છે.
Read Original Article →