વેરાવળ-પાટણના સફાઈ કર્મચારીઓને ટીબી અંગે માર્ગદર્શન:'ટીબી મુક્ત ભારત અભિયાન' અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો, ટી-શર્ટ, ટોપી વિતરણ કરાયું
કેન્દ્ર સરકારના 'ટીબી મુક્ત ભારત અભિયાન' અંતર્ગત વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં સફાઈ કર્મચારીઓ માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો હેતુ ક્ષયરોગ (ટીબી) અંગે જાગૃતિ ફેલાવીને આરોગ્ય સંદેશ સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો હતો. કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીઓએ સફાઈ કર્મચારીઓને ટીબીના પ્રાથમિક લક્ષણો, સમયસર નિદાન, સંપૂર્ણ સારવારનું મહત્વ અને બચાવના ઉપાયો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમને સતત બે સપ્તાહથી વધુ ઉધરસ, વજન ઘટવું, તાવ કે નબળાઈ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરાઈ હતી. આ પ્રસંગે 'ટીબી મુક્ત ભારત અભિયાન'નો સંદેશ લોકો સુધી પહોંચાડવાના હેતુથી સફાઈ કર્મચારીઓને વિશેષ સંદેશાવાળા ટી-શર્ટ અને ટોપીનું વિતરણ કરાયું હતું. આશા વ્યક્ત કરાઈ હતી કે, કર્મચારીઓ તેમના દૈનિક કાર્ય દરમિયાન આ ટી-શર્ટ અને ટોપી પહેરીને ફરશે, જેનાથી ટીબી અંગેનો સંદેશ વધુ વ્યાપક બનશે. જિલ્લા ક્ષય અધિકારી શીતલ રામે જણાવ્યું હતું કે, ટીબી સંપૂર્ણપણે સાજો થઈ શકે તેવો રોગ છે, પરંતુ સમયસર નિદાન અને નિયમિત સારવાર અનિવાર્ય છે. તેમણે ઉમેર્યું કે, સરકાર દ્વારા ટીબીની મફત તપાસ, મફત દવાઓ અને દર્દીઓને પોષણ સહાય માટે 'નિક્ષય પોષણ યોજના' જેવી અનેક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. અધિકારીએ સફાઈ કર્મચારીઓને પોતાના અને પરિવારના આરોગ્ય પ્રત્યે સતર્ક રહેવા તથા લક્ષણો જણાય તો તાત્કાલિક તપાસ કરાવવા સલાહ આપી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ટીબી અંગે જાગૃતિ વધારવાનો, ભ્રાંતિઓ દૂર કરવાનો અને 'ટીબી મુક્ત ભારત'ના રાષ્ટ્રીય અભિયાનમાં સમાજના દરેક વર્ગની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો. આ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટીબી સામેની લડતમાં આવા જાગૃતિ કાર્યક્રમો સમાજને વધુ સજાગ અને સ્વસ્થ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
Read Original Article →