અંતિમ ક્ષણનો સસ્પેન્સ: વેરાવળ પાટણ નગરપાલિકા ચૂંટણીમાં રાજકીય ચક્રવ્યૂહ:44 બેઠકો સામે માત્ર 7 ઉમેદવારી ફોર્મ – ભાજપ-કોંગ્રેસ હજુ મૌન, શહેરમાં ચર્ચાઓ ગરમ

Gujarat4/10/2026, 12:53:40 PM
અંતિમ ક્ષણનો સસ્પેન્સ: વેરાવળ પાટણ નગરપાલિકા ચૂંટણીમાં રાજકીય ચક્રવ્યૂહ:44 બેઠકો સામે માત્ર 7 ઉમેદવારી ફોર્મ – ભાજપ-કોંગ્રેસ હજુ મૌન, શહેરમાં ચર્ચાઓ ગરમ
વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈ શહેરમાં રાજકીય હલચલ ચરમસીમાએ પહોંચી છે, પરંતુ ઉમેદવારી પ્રક્રિયામાં જોવા મળતી ધીમી ગતિએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. ચૂંટણીના અંતિમ દિવસના એક દિવસ પહેલાં, તા. 10 એપ્રિલ બપોરે 3 વાગ્યા સુધી માત્ર 7 ઉમેદવારી પત્રો જ રજૂ થવાને કારણે રાજકીય પરિસ્થિતિમાં અનિશ્ચિતતા અને ઉત્સુકતા બંનેનો માહોલ સર્જાયો છે. માત્ર આમ આદમી પાર્ટી સક્રિય, અન્ય પક્ષો હજુ રાહમાં હાલ સુધી નોંધાયેલા તમામ 7 ઉમેદવારી પત્રો આમ આદમી પાર્ટી દ્વારા જ રજૂ કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે પ્રાથમિક તબક્કામાં માત્ર એક જ પક્ષ મેદાનમાં ઉતર્યો છે. વોર્ડ પ્રમાણે જોતા – વોર્ડ 1 માં ચેતનભાઈ વૈષ્ણવ, વોર્ડ 2 માં રંજનબેન પંડિત અને ઇમરાનભાઈ કોટવાલ, વોર્ડ 3 માં મનસુખભાઈ પરમાર, વોર્ડ 6 માં ફુલીબેન હાલા, વોર્ડ 9 માં રાજુભાઈ બારીયા અને લક્ષ્મીબેન ફોફંડી, વોર્ડ 10 માં ગોપાલભાઈ વાજા – ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. હજુ અનેક વોર્ડ ખાલી છે, જે દર્શાવે છે કે મુખ્ય રાજકીય રમતમાં અસલી ચાળો હવે અંતિમ દિવસે જોવા મળશે. ભાજપ-કોંગ્રેસમાં ટિકિટ માટે ઘમાસાણ રાજ્યના બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ હજુ સુધી ઉમેદવારી પ્રક્રિયામાં પ્રવેશ્યા નથી. બંને પક્ષોમાં ટિકિટ વિતરણને લઈને ભારે આંતરિક ખેંચતાણ ચાલી રહી હોવાના સંકેતો મળી રહ્યા છે. કોંગ્રેસે આ વખતે “નો રિપીટ થિયરી” અમલમાં મૂકતા જૂના ચહેરાઓને બદલે નવા ઉમેદવારોને તક આપવાની તૈયારી દર્શાવી છે. જેના કારણે પક્ષમાં દાવેદારોની સંખ્યા વધી અને અંતિમ પસંદગીમાં વિલંબ થયો છે. બીજી તરફ ભાજપમાં કોણે ફરી ટિકિટ મળશે અને કોનું પત્તું કપાશે તે મુદ્દે ભારે ચર્ચાઓ ચાલી રહી છે. આધારભૂત સૂત્રો મુજબ કેટલાક દાવેદારોને ટેલિફોનિક સૂચનાઓ આપવામાં આવી છે અને જરૂરી દસ્તાવેજ તૈયાર રાખવા જણાવાયું છે, પરંતુ સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. અંતિમ દિવસે રાજકીય ઘસારો નિશ્ચિત આવતીકાલે તા. 11 એપ્રિલ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હોવાથી પ્રાંત કચેરી ખાતે ઉમેદવારોનો મોટો ઘસારો જોવા મળવાની પૂરી શક્યતા છે. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો અંતિમ ક્ષણ સુધી રાહ જોવાની વ્યૂહરચના અપનાવી રહ્યા છે, જેથી આંતરિક અસંતોષ ઓછો રહે અને સમીકરણો સંતુલિત રહે.
Read Original Article →