વેરાવળ નગરપાલિકા વોર્ડ-9માં ભાજપે હંસાબેનને ટિકિટ ન આપતા રોષ:મહિલાઓ રસ્તા પર ઉતરી, ભાજપ વિરુદ્ધ મતદાનનો સંકલ્પ લીધો

Gujarat4/12/2026, 9:14:42 AM
વેરાવળ નગરપાલિકા વોર્ડ-9માં ભાજપે હંસાબેનને ટિકિટ ન આપતા રોષ:મહિલાઓ રસ્તા પર ઉતરી, ભાજપ વિરુદ્ધ મતદાનનો સંકલ્પ લીધો
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નગરપાલિકા ચૂંટણી પહેલા ભાજપ માટે ચિંતાજનક સંકેતો સામે આવી રહ્યા છે. ઉમેદવાર પસંદગીમાં થયેલા વિવાદ હવે સીધા મતદારો સુધી પહોંચી જતા વોર્ડ નંબર 9 માં ભાજપ વિરુદ્ધ ખુલ્લો બળવો ફાટી નીકળ્યો છે. વોર્ડ નંબર 9 માં ભાજપ દ્વારા કાર્યશીલ અને લોકપ્રિય મહિલા કાર્યકર હંસાબેનની ટિકિટ કાપવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. પરિણામે દોલત પ્રેસ, ગુણાતીત નગર સહિતના વિસ્તારોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને “ભાજપ હાય હાય” ના ગુંજારા સાથે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને મહિલાઓમાં આ નિર્ણય સામે ભારે નારાજગી જોવા મળી હતી. વર્ષો સુધી સંગઠન માટે કાર્ય કરનાર હંસાબેનને અવગણતા ભાજપના નિર્ણયને “અન્યાય” ગણાવી મહિલાઓએ ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક આગેવાનો અને મતદારો—કિશોરભાઈ યાદવ, બીનાબેન જોશી, ગોરીબેન ફોફંડી અને આરતીબેન મકવાણા સહિતના લોકોએ કડક શબ્દોમાં ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, “પાર્ટીએ કાર્યકરો સાથે દગો કર્યો છે. જે લોકો વર્ષોથી મહેનત કરે છે, તેમને અવગણીને ઉપરથી લાદવામાં આવેલા ઉમેદવારને અમે સ્વીકારવાના નથી.” તેમણે વધુમાં ચેતવણી આપી કે,“આવનારી ચૂંટણીમાં અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું અને જવાબ આપીશું.” આ સમગ્ર ઘટનાક્રમે ભાજપ માટે ગંભીર રાજકીય સંકટ ઊભું કર્યું છે. ચૂંટણી પહેલા જ આંતરિક અસંતોષ રસ્તા પર ફાટી નીકળતા હવે મતદાન બોક્સમાં તેની સીધી અસર જોવા મળશે તેવી ચર્ચાઓ તેગ બની છે. રાજકીય વિશ્લેષકો માને છે કે, જો આ અસંતોષને તાત્કાલિક શાંત કરવામાં નહીં આવે તો વોર્ડ નંબર 9 ભાજપ માટે ‘સેફ સીટ’માંથી ‘સંકટ ઝોન’માં ફેરવાઈ શકે છે. “ભાજપે અમારા વિશ્વાસ પર પાણી ફેરવ્યું છે. હવે મતદાનમાં અમે જવાબ આપીશું.” સ્પષ્ટ છે કે, વેરાવળ પાલિકા ચૂંટણી પહેલા ભાજપ માટે પરિસ્થિતિ અનુકૂળ નથી અને આ બળવો આગામી દિવસોમાં વધુ વિસ્તરે તેવી શક્યતા નકારી શકાય નહીં.
Read Original Article →