વેરાવળમાં યુવકની હત્યા: CCTV ફૂટેજ આવ્યા સામે:5થી વધુ હુમલાખોરો બાઇક-મોપેડ પર આવ્યા, 4 આરોપીઓ પોલીસ કબજામાં
વેરાવળ શહેરમાં તુરક સમાજના અગ્રણી જાવીદ તાજવાનીની ગોળી મારી હત્યાના મામલે ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં પાંચથી વધુ મોપેડ અને બાઇક પર સવાર થઈ હુમલાખોરો ઘટનાસ્થળે પહોંચતા દેખાઈ રહ્યા છે. આધારભૂત સૂત્રો મુજબ, મુખ્ય આરોપી ફારૂક મૌલાના બર્ગમેન મોપેડ પર આવ્યો હતો. ઘટના પહેલા બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આરોપીઓએ જાહેર માર્ગ પર જ ફાયરિંગ કરતાં જાવીદ તાજવાની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ફાયરિંગ બાદ તમામ આરોપીઓ નાસી છૂટ્યા હતા. ગંભીર હાલતમાં જાવીદ તાજવાનીને પ્રથમ વેરાવળ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગઈકાલે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. પોલીસ સૂત્રો મુજબ, સમગ્ર ઘટનાને લઈ ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મુખ્ય આરોપી ફારૂક મૌલાના સહિત ચારેય શખ્સોને પોલીસે દબોચી પાડ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. જોકે, આ અંગે અધિકૃત પુષ્ટિની રાહ જોવામાં આવી રહી છે. મૃતક જાવીદ તાજવાનીના મૃતદેહનું રાજકોટ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે મૃતદેહ વેરાવળ લવાતા તુરક સમાજ સહિત શહેરમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે ઘટના સ્થળ તથા આસપાસના વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે.
Read Original Article →