વેરાવળમાં ધોળા દિવસે મૌલાના સહિત 4ના ફાયરિંગથી ચકચાર:તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાનીના માથામાં ગોળી ધરબી, ગંભીર હાલતમાં જૂનાગઢ ખસેડાયા, ભત્રીજો પણ ઈજાગ્રસ્ત
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં બુધવારે બપોરે ધોળા દિવસે ફાયરિંગની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના સોમનાથ ટોકીઝ વિસ્તાર નજીક આવેલી આઈ.ડી. ચૌહાણ સ્કૂલ પાસે બપોરે અંદાજે 1 વાગ્યે મૌલાના સહિત 4 લોકોએ તુરક સમાજના પ્રમુખ જાવેદ તાજવાની ઉર્ફે જાવેદ વાંદરી પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ કરેલા ફાયરિંગમાં એક ગોળી તેમના માથાના ભાગે વાગતા તેઓ લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા. વેરાવળમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયા છે. આ હુમલામાં જાવેદના ભત્રીજો પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. વેરાવળ હોસ્પિટલ ટોળેટોળા
ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ ગંભીર રીતે ઇજાગ્રસ્ત તાજવાનીને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની ગંભીર હાલતને જોતા વધુ સારવાર અર્થે જુનાગઢ ખાતે રિફર કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર હાલ ઇજાગ્રસ્તની તબિયતને લઈ વહીવટી તંત્ર પણ ચિંતા કરી રહ્યું છે. હોસ્પિટલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ફાયરિંગના સમાચાર શહેરમાં વાયુવેગે ફેલાતા જ હોસ્પિટલ ખાતે તુરક સમાજના આગેવાનો અને સ્થાનિક લોકોના મોટા ટોળા ઉમટી પડ્યા હતા. વ્યસ્ત વિસ્તારમાં બનેલી આ ઘટનાને કારણે સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, ઘટનાની ગંભીરતાને જોઈને LCB, SOG અને વેરાવળ D સ્ટાફ સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક દોડી ગયો હતો. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને હાલ લો એન્ડ ઓર્ડર (કાયદો અને વ્યવસ્થા)ની સ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે. હુમલા પાછળ ચૂંટણી અને સામાજિક કારણોની આશંકા
ગીર સોમનાથ SP જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ કોઈ ગેંગવોરની ઘટના નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં ચૂંટણી સંબંધે બંને પક્ષો વચ્ચે થયેલી થોડી માથાકૂટ તેમજ અન્ય પારિવારિક અને સામાજિક કારણો સામે આવ્યા છે. હુમલાખોરો હથિયાર ક્યાંથી લાવ્યા અને તેની પાછળ અન્ય કઈ કઈ કડીઓ જોડાયેલી છે તે તમામ દિશામાં પોલીસ એનાલિસિસ કરી રહી છે. પોલીસની અલગ-અલગ ટીમો રવાના
એસપી જયદીપસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, આ ફાયરિંગની ઘટનામાં એકથી વધુ આરોપીઓ સંડોવાયેલા છે. પ્રાથમિક રીતે ફારૂક મૌલાના અને તેના અન્ય ત્રણથી ચાર સાથીદારોના નામ શંકાસ્પદ તરીકે સામે આવ્યા છે. આરોપીઓને વહેલામાં વહેલી તકે ઝડપી પાડવા માટે એસઓજી (SOG) સહિતની જુદી જુદી ટીમો બનાવીને તમામ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસ આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ પણ ચકાસી રહી છે. બીજી તરફ, હોસ્પિટલમાં અન્ય એક પક્ષ દ્વારા પણ સમાન પ્રકારની ફરિયાદ કરવામાં આવી છે, જેથી આ બંને ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે કે અલગ, તે અંગે પણ પોલીસ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે. પોલીસ વડાએ આશા વ્યક્ત કરી છે કે આ કેસનો ભેદ ટૂંક સમયમાં જ ઉકેલી લેવામાં આવશે અને આરોપીઓ જેલના સળિયા પાછળ હશે.
લોકોના ટોળા ઉમટી પડ્યાં
ફાયરિંગના સમાચાર શહેરમાં વાયુવેગે ફેલાતા જ સરકારી હોસ્પિટલ ખાતે તુરક સમાજના આગેવાનો અને સ્થાનિક લોકોના મોટા ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. વ્યસ્ત વિસ્તારમાં બનેલી આ ઘટનાને કારણે સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
Read Original Article →