છાત્રાઓનું ABVP સાથે કલેક્ટરને આવેદન:વેરાવળ ડો. આંબેડકર કન્યા છાત્રાલયમાં સુવિધાઓના નામે મીંડું, ભોજન અને સુરક્ષા મુદ્દે તંત્રને 10 દિવસનું અલ્ટીમેટમ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં હરસિદ્ધ સોસાયટી વિસ્તારમાં આવેલી ડો. બાબાસાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં ગેરરીતિ અને બેદરકારીનો મોટો વિવાદ સામે આવ્યો છે. છાત્રાલયની કથળતી જતી હાલત અને તંત્રની ઉદાસીનતા સામે રોષે ભરાયેલી વિદ્યાર્થિનીઓએ ABVPના નેજા હેઠળ જિલ્લા કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો છે કે સરકાર દ્વારા અપાતી સુવિધાઓ માત્ર કાગળ પર જ મર્યાદિત છે, જ્યારે વાસ્તવિકતામાં તેઓ નરકાગાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર છે. સડેલું ભોજન પીરસાતું હોવાનો આક્ષેપ
વિદ્યાર્થિનીઓએ રજૂઆત કરતા જણાવ્યું કે છાત્રાલયમાં પીરસાતા ભોજનની ગુણવત્તા અત્યંત નિમ્ન કક્ષાની છે. રસોડામાં ઘણીવાર સડેલા ડુંગળી અને બટાટાનો ઉપયોગ કરવામાં આવે છે. આરોગ્ય માટે જોખમી એવું આ ભોજન આરોગવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારનું નિરીક્ષણ કે દેખરેખ રાખવામાં આવતી નથી. અસામાજિક તત્વોનો ત્રાસ
સુવિધાઓની સાથે સુરક્ષાને લઈને પણ ગંભીર સવાલો ઉઠ્યા છે. વિદ્યાર્થિનીઓના જણાવ્યા અનુસાર, છાત્રાલયની આસપાસ અસામાજિક તત્વોની અવરજવર વધી ગઈ છે. રાત્રિના સમયે વાતાવરણ અસુરક્ષિત હોવાથી વિદ્યાર્થિનીઓમાં ફાળ પડી છે. આ ઉપરાંત, હોસ્ટેલમાં રૂમોની સ્વચ્છતા અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓનો પણ ઘોર અભાવ જોવા મળી રહ્યો છે. પ્રશાસનને અલ્ટીમેટમ
ABVP જિલ્લા સંયોજક પ્રિયા બારડની આગેવાનીમાં કલેક્ટર કચેરીએ પહોંચેલી વિદ્યાર્થિનીઓએ સૂત્રોચ્ચાર કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થિની દીપિકા જાદવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ ગેરરીતિઓ લાંબા સમયથી ચાલી રહી છે પરંતુ કોઈ સાંભળવા તૈયાર નથી. ઉગ્ર આંદોલનની ચીમકી
આંદોલનકારીઓએ તંત્રને સ્પષ્ટ ચીમકી આપી છે કે આગામી 10 દિવસમાં તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે. જો નિર્ધારિત સમયમાં સુધારો નહીં થાય, તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર અને વ્યાપક આંદોલન કરવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે જિલ્લા વહીવટી તંત્ર આ ગંભીર બાબતે કેટલી ઝડપે તપાસ કરી જવાબદારો સામે પગલાં લે છે.
Read Original Article →