વેરાવળમાં જાવીદ તાજવાણીની અંતિમયાત્રામાં જનસેલાબ:ફાયરિંગ વિથ મર્ડર કેસ બાદ મિસ્કીન કોલોનીથી નીકળેલા જનાજામાં હજારો લોકો જોડાયા, શહેરમાં શોકનો માહોલ

Gujarat5/22/2026, 4:39:23 AM
વેરાવળમાં જાવીદ તાજવાણીની અંતિમયાત્રામાં જનસેલાબ:ફાયરિંગ વિથ મર્ડર કેસ બાદ મિસ્કીન કોલોનીથી નીકળેલા જનાજામાં હજારો લોકો જોડાયા, શહેરમાં શોકનો માહોલ
વેરાવળમાં તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાણીની હત્યા બાદ તેમની અંતિમયાત્રામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. મિસ્કીન કોલોની સ્થિત તેમના નિવાસસ્થાનેથી નીકળેલા જનાજામાં શહેરભરમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, 20 તારીખે બપોરના સમયે તાલાલા રોડ વિસ્તારમાં એફ.એમ. ગ્રુપ સાથે સંકળાયેલા ફારૂક મૌલાનાએ જાવીદભાઈ તાજવાણી પર માથાના ભાગે ગોળીબાર કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા તાજવાણીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન 21 તારીખે સાંજે તેમનું અવસાન થયું હતું. સવારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ ડોકટરો દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. ત્યાર બાદ 21 તારીખે સાંજના સમયે તેમનો મૃતદેહ વેરાવળ લાવવામાં આવ્યો હતો. મિસ્કીન કોલોની ખાતે આવેલા તેમના નિવાસસ્થાને સમાજના આગેવાનો, સગા-સંબંધીઓ અને મોટી સંખ્યામાં લોકો અંતિમ દર્શન માટે એકઠા થયા હતા. રીતિ-રિવાજ મુજબની વિધિઓ પૂર્ણ થયા બાદ જનાજો કાઢવામાં આવ્યો હતો. આ અંતિમયાત્રામાં શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી હજારો લોકો જોડાયા હતા. માર્ગો પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી અને સમગ્ર વાતાવરણ શોકમગ્ન બની ગયું હતું. ઘટનાને પગલે શહેરમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ મુખ્ય આરોપી ફારૂક મૌલાના, તેના પુત્ર અને ડ્રાઇવર સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે હત્યામાં વપરાયેલી બંદૂક સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આરોપીઓને 10 દિવસના રિમાન્ડની માંગ સાથે વેરાવળ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
Read Original Article →