વેરાવળ ફાયરિંગ-મર્ડર કેસ:મુખ્ય આરોપી ફારૂક મૌલાનાના 6 દિવસ, અન્ય ત્રણના 3 દિવસના રિમાન્ડ પર

Gujarat5/22/2026, 11:31:14 AM
વેરાવળ ફાયરિંગ-મર્ડર કેસ:મુખ્ય આરોપી ફારૂક મૌલાનાના 6 દિવસ, અન્ય ત્રણના 3 દિવસના રિમાન્ડ પર
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં બે દિવસ પહેલા બનેલી ચકચારી ફાયરિંગ-મર્ડરની ઘટનામાં ઝડપાયેલા ચારેય આરોપીઓને આજે વેરાવળ કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે મુખ્ય આરોપી ફારૂક મૌલાનાના 6 દિવસના અને અન્ય ત્રણ આરોપીઓના 3-3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ઘટનામાં તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાણીની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. પોલીસે મુખ્ય આરોપી ફારૂક મૌલાના સહિત ચારેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કેસની ગંભીરતા, હથિયારોની શોધખોળ, અન્ય સંડોવાયેલા સાગરીતો અને સમગ્ર ષડયંત્રની ઊંડાણપૂર્વક તપાસ માટે રિમાન્ડ જરૂરી હોવાની દલીલ કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે મુખ્ય આરોપી ફારૂક મૌલાનાના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે અન્ય ત્રણ આરોપીઓને 3-3 દિવસના રિમાન્ડ પર પોલીસ કસ્ટડીમાં સોંપવાનો આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ વેરાવળ શહેરમાં જાહેરમાં ફાયરિંગ કરીને તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાણીની હત્યા કરવામાં આવી હતી. દિવસ દરમિયાન બનેલી આ ઘટનાથી શહેરમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં અનેક શખ્સો મોપેડ અને બાઇક પર આવીને હુમલો કરતા જોવા મળ્યા હતા. ઘટના બાદ ગીર સોમનાથ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. હવે રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીઓ પાસેથી હથિયારો, હુમલાનું ચોક્કસ કારણ, અગાઉની કોઈ જૂની અદાવત અને આ કેસમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ અંગે મહત્વપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયાસ કરશે. વેરાવળ શહેરમાં આ બનાવને લઈને હજુ પણ તણાવપૂર્ણ, પરંતુ નિયંત્રિત સ્થિતિ જોવા મળી રહી છે. પોલીસે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા બંદોબસ્ત વધારી દીધો છે.
Read Original Article →