વેરાવળ ફાયરિંગ કેસ: 24 કલાકમાં હત્યારા ઝડપાયા:મુખ્ય આરોપી ફારૂક મોલાના સહિત ચારની ધરપકડ

Gujarat5/21/2026, 10:06:06 AM
વેરાવળ ફાયરિંગ કેસ: 24 કલાકમાં હત્યારા ઝડપાયા:મુખ્ય આરોપી ફારૂક મોલાના સહિત ચારની ધરપકડ
વેરાવળમાં થયેલા ફાયરિંગ અને હત્યા કેસમાં ગીર સોમનાથ પોલીસે મુખ્ય આરોપી સહિત ચાર શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે ઘટનાના ૨૪ કલાકની અંદર આ કાર્યવાહી કરી છે. સોમનાથ ટોકીઝ વિસ્તાર પાસે થયેલા ગોળીબારમાં જાહિદ ઉર્ફે જાવીદ મોહમદભાઇ તજવાણી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. ફરિયાદી સાજીદ હારુનભાઇ હાલાનાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી ફારૂક ઉર્ફે ફારૂક મોલાનાએ જૂની અંગત અદાવત અને ટ્રાન્સપોર્ટના ધંધાની સ્પર્ધાને કારણે જાવીદ તજવાણીને રસ્તામાં રોકી પિસ્તોલ વડે કપાળમાં ગોળી મારી હતી. ઘટના સમયે અન્ય આરોપીઓએ પણ હુમલામાં મદદ કરી હતી. વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં શરૂઆતમાં બી.એન.એસ.ની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. જોકે, સારવાર દરમિયાન જાવીદનું મોત થતાં ગુનામાં હત્યાની કલમ ૧૦૩(૧) ઉમેરવામાં આવી હતી. આરોપીઓ ફરાર થઈ જતાં પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી ગોઠવી હતી. જૂનાગઢ રેન્જ ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને વેરાવળ સિટી પોલીસની ટીમોએ તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સિસ અને સીસીટીવી ફૂટેજના આધારે મુખ્ય આરોપી ફારૂક મોલાના, તેનો પુત્ર જાવેદ, ડ્રાઈવર અનીશ કુરેશી અને સમીર ઉર્ફે બાલી ચૌહાણને કેશોદ બાયપાસ અને ઉમરેઠી ડેમ વિસ્તાર પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ, બે જીવતા કારતૂસ અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલા ત્રણ બર્ગમેન મોપેડ જપ્ત કર્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ટ્રાન્સપોર્ટના ધંધામાં સ્પર્ધા અને સ્થાનિક ચૂંટણી દરમિયાન થયેલા મનદુઃખને કારણે આરોપીઓએ પૂર્વયોજિત રીતે હત્યાનું કાવતરું ઘડ્યું હતું. મુખ્ય આરોપી ફારૂક મોલાના સામે અગાઉ હત્યાના પ્રયાસ, મારામારી, ધાકધમકી, લૂંટ અને સરકારી કામમાં અડચણ સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ હવે આરોપીઓના અન્ય ગુનાહિત નેટવર્ક અને હથિયારના સ્ત્રોત અંગે વધુ તપાસ કરી રહી છે.
Read Original Article →