પ્રગતિશીલ ખેડૂત:નાળીયેરીની ખેતીમાં છાણિયા ખાતરની સ્લરી બની જડીબુટી, મહિને 250 ઝાડમાં 2190 ત્રોફાનું ઉત્પાદન
ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી રહ્યાં છે તેમજ જમીન પણ બંજર ન બને માટે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે ત્યારે વેરાવળ પંથકના પંડવા ગામના ખેડૂતે ખેતીમાં છાણિયા ખાતરની સ્લેરીના ઉપયોગથી નાળિયેરીના બગીચામાં અનેક ગણો ફાયદો મેળવ્યો છે. આ ખેતી વિશે જાણો તેમના જ શબ્દોમાં..... હું વેરાવળ પંથકના પંડવા ગામે રહું છું અને નાળીયેરીની ખેતીમાં છાણિયા ખાતરની સ્લરીનો ઉપયોગ કરું છું. જે તૈયાર કરવાની પદ્ધતિ જોઈએ તો જ્યારે ગાય-ભેંસના છાણને બાયોગેસ પ્લાન્ટમાં નાખવામાં આવે છે, ત્યારે તેમાંથી ગેસ નીકળ્યા પછી જે પ્રવાહી વધે છે તેને ‘સ્લરી' કહેવાય છે. આ સ્લરી ખેતી માટે તૈયાર થયેલું ઉત્તમ પ્રકારનું પ્રવાહી જૈવિક ખાતર છે. સ્લરીના મુખ્ય ફાયદાની વાત કરીએ તો બાયોગેસ સ્લરીમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ (NPK) ઉપરાંત સૂક્ષ્મ તત્વો જેવા કે ઝીંક, મેંગેનીઝ અને બોરોન ભરપૂર માત્રામાં હોય છે. જે સીધા જ છોડને મળી રહે છે. તે જમીનમાં ઉપયોગી બેક્ટેરિયા અને અળસિયાની સંખ્યામાં ઝડપથી વધારો કરે છે. તેનાથી જમીનનું બંધારણ સુધરે છે અને જમીન વધુ જીવંત બને છે. મેં 30000 હજાર લીટરની ક્ષમતાની ટાંકી બનાવી સાડા પાંચ વીઘામાં નાળીયેરીમાં આ પ્રયોગ કર્યો છે. જેથી અન્ય ખેડૂતોને માસિક 1600 નાળીયેરીના વૃક્ષોમાંથી 600 નાળીયેર ઉતરે છે, જ્યારે અમારે 250 નાળીયેરીમાંથી 2190 સારી ક્વોલિટી નાળીયેર ઉતરે છે આટલો મોટો તફાવત જોવા મળે છે. અમે આ પ્રયોગ દોઢ વર્ષથી કરીએ છીએ, એમાં જબરજસ્ત સફળતા મળી છે. જમીનમાં નાંખતાની સાથે જ અસર જોવા મળે છે
સામાન્ય છાણિયા ખાતરને કોહવાતા સમય લાગે છે, જ્યારે સ્લરી પહેલેથી જ પ્રોસેસ થયેલી હોવાથી તે જમીનમાં નાખતાની સાથે જ અસર કરવાનું શરૂ કરે છે. તેમજ બાયોગેસની પ્રક્રિયા દરમિયાન છાણમાં રહેલા નકામા ઘાસના બીજ (નિંદામણ) નાશ પામે છે. આથી ખેતરમાં બિનજરૂરી ઘાસ ઉગતું નથી અને ફૂગજન્ય રોગો પણ ઓછા થાય છે. સિંચાઈના પાણીની પણ બચત થાય છે
સ્લરીના ઉપયોગથી જમીનની ભેજ સંગ્રહવાની શક્તિ વધે છે, જેથી પાકને ઓછું પાણી આપવું પડે છે. તેને પાણીના ધોરિયામાં ભેળવીને સીધી ખેતરમાં આપી શકાય છે. ઉપરાંત ગાળીને તેના પ્રવાહીને પાણી સાથે મિશ્ર કરી પાકના પાન પર છંટકાવ કરવાથી પાક વધુ લીલોતરી અને તંદુરસ્ત બને છે. આ પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાણો વધુ વિગત : મો. 9904172222 (ભરત સોનારા સાથેની વાતચીતના આધારે)
Read Original Article →