ડાભોર ગામે જૂના મનદુઃખે લીધો ઉગ્ર વળાંક:બે જૂથ વચ્ચે અથડામણ, મહિલા સહિત 5 ઇજાગ્રસ્ત; વેરાવળ સરકારી હોસ્પિટલમાં સારવાર
ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી વધુ એક ઘટના સામે આવી છે. વેરાવળ નજીકના ડાભોર ગામે ગઈ રાત્રે બે જુથ વચ્ચે થયેલી ઉગ્ર અથડામણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. જૂના મનદુઃખ અને અણબનાવને કારણે શરૂઆતમાં થયેલી બોલાચાલી થોડા જ સમયમાં હિંસક રૂપ ધારણ કરી ગઈ હતી. મળતી માહિતી મુજબ, ડાભોર ગામમાં રહેતા બે જૂથ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા મતભેદો ફરી ભડક્યા હતા. ગઈ કાલે રાત્રે સામાન્ય બોલાચાલી દરમિયાન વાત એટલી વકરી ગઈ કે બંને પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારી શરૂ થઈ ગઈ. ઘટનામાં પથ્થરો અને છુટા હાથે મારામારી સર્જાઈ છે. આ અથડામણમાં મહિલા સહિત કુલ પાંચ લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. ઇજાગ્રસ્તોમાં 52 વર્ષીય વાલીબેન વાજા, રવિ ભીમા વાજા, ભુપત ધાના ચારિયા, જગદીશ ડાયા ખુટડ અને ભરત ભાણા ચારિયાનો સમાવેશ થાય છે. તમામને તાત્કાલિક વેરાવળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ થતાં જ પ્રભાસ પાટણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બંને પક્ષોના લોકોના નિવેદનો નોંધવાની કામગીરી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોમાં આ બનાવને લઈને ભય અને અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામમાં ફરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળે છે. આ ઘટનાએ ફરી એકવાર ગામડાઓમાં નાના મનદુઃખ કેવી રીતે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે તેવો સવાલ ઉભો કર્યો છે. પોલીસ હવે આ મામલે કડક પગલાં ભરે છે કે નહીં તે પર સૌની નજર ટકેલી છે.
Read Original Article →