વેરાવળમાં કેમિસ્ટો રાષ્ટ્રવ્યાપી હડતાળમાં જોડાયા:ઓનલાઈન દવા વેચાણ, ડિસ્કાઉન્ટિંગ સામે મેડિકલ સ્ટોર બંધ

Gujarat5/20/2026, 6:37:11 AM
વેરાવળમાં કેમિસ્ટો રાષ્ટ્રવ્યાપી હડતાળમાં જોડાયા:ઓનલાઈન દવા વેચાણ, ડિસ્કાઉન્ટિંગ સામે મેડિકલ સ્ટોર બંધ
ઓનલાઈન દવાઓના વેચાણ, કોર્પોરેટ કંપનીઓની ડિસ્કાઉન્ટ નીતિ અને બજારમાં નકલી દવાઓના દૂષણ વિરૂદ્ધ બુધવારે વેરાવળ શહેરમાં રાષ્ટ્રવ્યાપી કેમિસ્ટ હડતાળને વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. વેરાવળ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના નેતૃત્વ હેઠળ શહેરના મોટાભાગના મેડિકલ સ્ટોર્સ દિવસભર બંધ રહ્યા હતા. મેડિકલ સંચાલકોએ ટાવરચોક ખાતે એકઠા થઈને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. નાના વેપારીઓ સંકટમાં રાષ્ટ્રવ્યાપી આંદોલનના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરના દવા વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. વેપારીઓના જણાવ્યા અનુસાર, ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા થતા દવાઓના વેચાણના કારણે નાના અને મધ્યમ કક્ષાના કેમિસ્ટોના વ્યવસાય પર માઠી અસર પડી રહી છે. આ ઉપરાંત ઓનલાઈન વેચાણમાં સરકારી નિયમોનું ચુસ્ત પાલન થતું ન હોવાથી ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. એસોસિએશનના સેક્રેટરી યુસુફખાન બેલીમે જણાવ્યું હતું કે, માતૃ સંસ્થા 'ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ' (AIOCD) ના માર્ગદર્શન હેઠળ દેશવ્યાપી 1 દિવસીય બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેમાં વેરાવળ એસોસિએશનના તમામ સભ્યો સંપૂર્ણપણે જોડાયા હતા. કોર્પોરેટ કંપનીઓની ભારે ડિસ્કાઉન્ટ નીતિના કારણે પરંપરાગત મેડિકલ વ્યવસાય ગંભીર સંકટમાં મુકાયો છે અને નાના વેપારીઓ માટે બજારમાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. કેમિસ્ટોની મુખ્ય 3 માંગણીઓ આંદોલનકારીઓએ સરકાર સમક્ષ મુખ્ય ત્રણ માંગણીઓ રજૂ કરી હતી: વેપારીઓએ ચેતવણી આપી હતી કે જો સરકાર દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. દર્દીઓની સુવિધા માટે 5 સ્ટોર્સ ચાલુ રખાયા હડતાળ દરમિયાન સ્થાનિક દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે તે માટે માનવતાવાદી અભિગમ અપનાવી શહેરમાં 5 મેડિકલ સ્ટોર્સને જરૂરી સેવા તરીકે ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. જેને કારણે તાત્કાલિક દવાની જરૂરિયાતવાળા દર્દીઓને મોટી રાહત મળી હતી. અગ્રણીઓની ઉપસ્થિતિ ટાવરચોક ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં એસોસિએશનના ચેરમેન પ્રવીણ મેઘપરાના માર્ગદર્શન હેઠળ પ્રમુખ ભરત ભાલોડીયા, ઉપપ્રમુખ ધર્મેશ દુસારા, સેક્રેટરી યુસુફખાન બેલીમ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વેપારીઓએ હાથમાં પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને પોતાની માંગણીઓ તાત્કાલિક સંતોષવા આગ્રહ કર્યો હતો.
Read Original Article →