વેરાવળમાં ભાજપનો 'વિજયનો વિશ્વાસ' કાર્યક્રમ યોજાયો:જિલ્લા-તાલુકા પંચાયત ઉમેદવારોનો પરિચય, સાંસદ ચુડાસમાએ પ્રચંડ વિજયનો દાવો કર્યો

Gujarat4/13/2026, 11:21:22 AM
વેરાવળમાં ભાજપનો 'વિજયનો વિશ્વાસ' કાર્યક્રમ યોજાયો:જિલ્લા-તાલુકા પંચાયત ઉમેદવારોનો પરિચય, સાંસદ ચુડાસમાએ પ્રચંડ વિજયનો દાવો કર્યો
વેરાવળના કાજલી APMC ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા 'વિજયનો વિશ્વાસ' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સોમનાથ વિધાનસભા વિસ્તાર હેઠળના જિલ્લા અને તાલુકા પંચાયતના તમામ ઉમેદવારોનો પરિચય કરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પ્રભારી ભાવનાબેન હિરપરા, ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ માનસિંગ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. સંજય પરમાર, ધારાસભ્ય ભગવાન બારડ, ગોવિંદભાઈ પરમાર અને તાલુકા ભાજપ પ્રમુખ પ્રદ્યુમનસિંહ ડોડીયા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતની પાંચ અને તાલુકા પંચાયતની ૨૨ બેઠકોના ભાજપ ઉમેદવારોનો પરિચય કરાવવામાં આવ્યો. ઉપસ્થિત કાર્યકરોને ચૂંટણીમાં સંગઠિત થઈ તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય અપાવવા અપીલ કરાઈ હતી. પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને સાંસદ રાજેશ ચુડાસમાએ સંબોધનમાં જણાવ્યું કે, કાર્યકરોમાં અદભૂત ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના કારણે ભાજપને આ ચૂંટણીમાં પ્રચંડ વિજય મળશે. તેમણે વિરોધ પક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, વિરોધ પક્ષ પાસે મજબૂત ઉમેદવારોનો અભાવ છે, જ્યારે ભાજપનો સંગઠિત અને સક્રિય કાર્યકર્તા વર્ગ જ તેની સૌથી મોટી તાકાત છે. સાંસદ રાજેશ ચુડાસમાએ વધુમાં ઉમેર્યું કે, ગીર સોમનાથ જિલ્લાની અનેક તાલુકા પંચાયતોમાં ભાજપનો ઐતિહાસિક વિજય નોંધાશે અને જિલ્લા પંચાયત પણ ભાજપના કબજામાં આવશે તે નિશ્ચિત છે. આ કાર્યક્રમ દરમિયાન ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને વિજયનો વિશ્વાસ જોવા મળ્યો હતો, જેના કારણે સ્થાનિક રાજકીય માહોલ વધુ ગરમાયો છે.
Read Original Article →