વેરાવળમાં ત્રણ દિવસીય ચિત્ર પ્રદર્શન શરૂ:ગુજરાત અને બહારના 200 કલાકારોની કૃતિઓ પ્રદર્શિત
વેરાવળ ખાતે વિશ્વમ કિડ્સ પ્રી સ્કૂલ, તુલિકા આર્ટ ફાઉન્ડેશન અને રોટરી ક્લબ ઓફ વેરાવળના સંયુક્ત ઉપક્રમે ત્રણ દિવસીય ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ થયો છે. 15, 16 અને 17 મે 2026 દરમિયાન આયોજિત આ પ્રદર્શનમાં ગુજરાત અને ગુજરાત બહારના કલાકારોની આશરે 200 કલાત્મક કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. વેરાવળમાં આ પ્રકારનું આ પ્રથમ વિશાળ કલા પ્રદર્શન છે. આ પ્રદર્શન સવારે 8:00 વાગ્યાથી રાત્રિના 8:00 વાગ્યા સુધી કલા રસિકો માટે ખુલ્લું રહેશે. આ પ્રદર્શન કલા રસિકો માટે એક અનોખો અનુભવ બની રહ્યું છે. પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ડૉ. ચંદ્રેશ એમ. જોશી (આચાર્ય, એસ.વી.પી. અધ્યાપન મંદિર – પાટણ), રજનીકાંત ત્રિવેદી (ઉપપ્રમુખ, ગુજરાત રાજ્યકલા શિક્ષક સંઘ), ડૉ. ઈશ્વર ગોડસે (પ્રેસિડેન્ટ, રોટરી ક્લબ ઓફ વેરાવળ), ડૉ. વર્ષા ગોડસે (બાળરોગ નિષ્ણાત), પિન્કીબેન પાઠક (કો-ઓર્ડિનેટર, વિશ્વમ કિડ્સ), રાજેશ જયસ્વાલ (સેક્રેટરી, રોટરી ક્લબ ઓફ વેરાવળ), વર્ષાબેન કલસરિયા (મેનેજિંગ ડિરેક્ટર, વિશ્વમ કિડ્સ) સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ ચિત્ર પ્રદર્શનમાં વેચાણ થતી કૃતિઓની રકમમાંથી 80 ટકા કલાકારોને અને 20 ટકા રકમ વિદ્યાદાન માટે ફાળવવામાં આવશે. ભાગ લેનાર દરેક કલાકારોને મોમેન્ટો, ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. પ્રદર્શનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરનાર બાળકોની આશરે 60 જેટલી કૃતિઓ પણ સામેલ છે. આ કૃતિઓમાં બાળકોની સર્જનાત્મક શક્તિ, કલ્પનાશક્તિ અને રંગો દ્વારા અભિવ્યક્ત થયેલા વિચારોનું અનોખું પ્રતિબિંબ જોવા મળે છે. બાળ કલાકાર પૃથ્વીરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ચૌહાણે વર્ષ 2025માં પોર્ટુગલ ખાતે આયોજિત 26મી આંતરરાષ્ટ્રીય કલા સભામાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને દેશને ગૌરવ અપાવ્યું હતું. આ અવસરે ડૉ. ચંદ્રેશ એમ. જોશી અને ડૉ. ઈશ્વર ગોડસેના હસ્તે તેમનું સન્માન કરી પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.
Read Original Article →