આદ્રી મહાકાળી મંદિર પાસે સિંહણ દેખાઈ, ભાવિકોમાં કૌતુક:દરિયા કિનારે દર્શનાર્થે આવેલા યાત્રિકોએ સિંહણને નજીકથી નિહાળી

Gujarat5/20/2026, 11:35:24 AM
આદ્રી મહાકાળી મંદિર પાસે સિંહણ દેખાઈ, ભાવિકોમાં કૌતુક:દરિયા કિનારે દર્શનાર્થે આવેલા યાત્રિકોએ સિંહણને નજીકથી નિહાળી
વેરાવળ નજીક આવેલા આદ્રી ગામે દરિયા કિનારે આવેલા પ્રાચીન મહાકાળી માતાના મંદિર પાસે આજે દિવસ દરમિયાન એક સિંહણ દેખાઈ હતી. આ ઘટનાથી વિસ્તારમાં કૌતુક ફેલાયું હતું. મંદિરે દર્શનાર્થે આવેલા ભાવિકો અને સ્થાનિકોએ અચાનક સિંહણને મંદિર નજીક ફરતી જોઈને શરૂઆતમાં ગભરાટ અનુભવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સિંહણ મંદિર નજીકના માર્ગ પરથી સંપૂર્ણ નિર્ભયતાથી પસાર થઈ હતી. તે સમયે મંદિરે દર્શન કરવા આવેલા યાત્રિકો સિંહણથી ખૂબ નજીક હોવા છતાં, સિંહણે કોઈ આક્રમક વર્તન કર્યું નહોતું. ઘણા લોકોએ આ દુર્લભ દ્રશ્યને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યું હતું. થોડો સમય મંદિર આસપાસ આંટાફેરા કર્યા બાદ સિંહણ દરિયાકાંઠા નજીકના જંગલ વિસ્તાર તરફ પ્રયાણ કરી ગઈ હતી. આ બનાવને લઈને સ્થાનિકોમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો. ગીર પંથકમાં સિંહોના રહેણાંક વિસ્તાર વધતા હવે દરિયાકાંઠાના ગામો અને માનવ વસાહતો નજીક પણ સિંહોના આંટાફેરા સામાન્ય બની રહ્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે. ઘટનાની જાણ થતા આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા. કેટલાક લોકોએ આ ઘટનાને "મહાકાળી માતાના દર્શને આવેલી સિંહણ" તરીકે પણ ભાવનાત્મક રીતે જોડી હતી. જોકે, વન વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા અને જંગલી પ્રાણીઓથી યોગ્ય અંતર જાળવવા અપીલ કરવામાં આવી છે.
Read Original Article →