વેરાવળ નજીક દીપડી પાંજરે પુરાઈ:તાતીવેલા ગામે બાળકી પર હુમલો કર્યો હતો; 48 કલાક બાદ પકડાઈ

Gujarat6/3/2026, 5:10:54 AM
વેરાવળ નજીક દીપડી પાંજરે પુરાઈ:તાતીવેલા ગામે બાળકી પર હુમલો કર્યો હતો; 48 કલાક બાદ પકડાઈ
વેરાવળ નજીક તાતીવેલા ગામે ત્રણ વર્ષની બાળકી પર હુમલો કરનાર દીપડી 48 કલાકની જહેમત બાદ વન વિભાગના પાંજરે પુરાઈ છે. આ ઘટના બાદ છેલ્લા બે દિવસથી વિસ્તારમાં ભયનો માહોલ હતો. દીપડી પકડાઈ જતાં સ્થાનિકો અને વન વિભાગે રાહત અનુભવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે તાતીવેલા ગામે એક પરિવાર વાડી વિસ્તારમાં પિકનિક માટે ગયો હતો. રાત્રિના સમયે પરિવારજનો વાડીમાં બેઠા હતા ત્યારે અચાનક એક દીપડીએ ત્રણ વર્ષની બાળકી પર હુમલો કરી તેને ઉઠાવી લીધી હતી. આ ઘટનાથી પરિવારજનો ગભરાઈ ગયા હતા અને બૂમાબૂમ કરી હતી. પરિવાર અને આસપાસના લોકોના અવાજથી દીપડી બાળકીને થોડા અંતરે મૂકી જંગલ તરફ ભાગી ગઈ હતી. આ ઘટનામાં બાળકીનો જીવ બચી ગયો હતો, જે પરિવાર માટે રાહતની વાત હતી. જોકે, દીપડીના માનવ વસાહત સુધી પહોંચી બાળકી પર હુમલો કરવાના પ્રયાસથી સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતા ફેલાઈ હતી. દીપડી ફરી કોઈને નિશાન બનાવી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ વન વિભાગે તાત્કાલિક બચાવ અને ટ્રેપિંગ ઓપરેશન શરૂ કર્યું હતું. વન વિભાગની રેસ્ક્યૂ ટીમે ઘટના સ્થળ અને આસપાસના વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કર્યું હતું. દીપડીને પકડવા માટે ચારથી વધુ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. જોકે, દીપડી પાંજરા નજીક આવતી હતી, પરંતુ તેમાં ફસાતી નહોતી. આથી વન વિભાગની ટીમે દિવસ-રાત સતત નજર રાખી હતી. અંતે, ખાસ પ્રકારનું કેજ પાંજરું ગોઠવવામાં આવતાં ગત રાત્રે દીપડી તેમાં ફસાઈ ગઈ. વન વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી દીપડીને સુરક્ષિત રીતે કબજે લીધી. પ્રાથમિક તપાસમાં પકડાયેલું પ્રાણી અંદાજે પાંચ વર્ષની માદા દીપડી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ વન વિભાગની વિશેષ રેસ્ક્યૂ ટીમે દીપડીને સુરક્ષિત રીતે અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડી. ત્યાં તેની આરોગ્ય તપાસ અને વર્તન અંગેનું નિરીક્ષણ કરવામાં આવશે. વન વિભાગના સૂત્રો અનુસાર, માનવ પર હુમલો કરી ચૂકેલા આવા પ્રાણીઓ પર વિશેષ નજર રાખવામાં આવે છે. દીપડી પકડાઈ જતાં તાતીવેલા સહિત આસપાસના ગામોમાં ફેલાયેલો ભયનો માહોલ શાંત પડ્યો છે. સ્થાનિક લોકોએ વન વિભાગની કામગીરીને બિરદાવી છે. બીજી તરફ, વન વિભાગે ગ્રામજનોને જંગલ અને વાડી વિસ્તારોમાં, ખાસ કરીને રાત્રિના સમયે, સાવચેતી રાખવા અપીલ કરી છે. બાળકોને એકલા ન છોડવા અને કોઈપણ વન્યપ્રાણી દેખાય તો તાત્કાલિક જાણ કરવા પણ સૂચના અપાઈ છે.
Read Original Article →