₹85 હજારની ઉઘરાણી લોહિયાળ બની:તાલાળા ચોકડી પાસે યુવક પર જીવલેણ હુમલો; હોકી, લાકડી અને લોખંડના પંચ વડે તૂટી પડ્યા, હાથમાં ફ્રેક્ચર, માથા-ગરદનમાં ગંભીર ઇજાઓ
પ્રભાસ પાટણ-તાલાળા રોડ પર ઉધાર આપેલા રૂપિયા પરત માંગવાની હિંમત એક યુવકને ભારે પડી હોવાનું સામે આવ્યું છે. ઉઘરાણીના મામલે જૂનો ખાર રાખી પાંચ શખ્સોએ યુવકને રસ્તા વચ્ચે રોકી હોકી, લાકડી અને લોખંડના પંચ વડે એવો બેરહેમ હુમલો કર્યો કે યુવક લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ગયો હતો. ગંભીર ઇજાઓ સાથે તેને વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના હાથમાં ફ્રેક્ચર સહિત અનેક ઇજાઓ નોંધાઈ છે. પોલીસ ફરિયાદ મુજબ પ્રભાસ પાટણના શબીરહુસેન સુલતાનભાઈ મલેકે લગભગ એક વર્ષ અગાઉ મિત્રતાના નાતે સલમાનશા સલીમશા શાહમદારને રૂ. 85 હજાર હાથ ઉછીના આપ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી તે પોતાની રકમ પરત માંગતો હોવાથી સલમાનશા તેની સામે રોષ રાખતો હતો અને વારંવાર ધાકધમકી આપતો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. ઈજાગ્રસ્ત યુવક ના સાળા ફઝમ પંજા એ જણાવ્યું હતું કે,ગત મધરાત્રિએ શબીરહુસેન પોતાના મિત્રો સાથે મોટરસાયકલ પર પ્રભાસ પાટણ તરફ જઈ રહ્યો હતો ત્યારે તાલાળા બ્રિજ નજીક સલમાનશા અને તેના સાગરીતો રસ્તા વચ્ચે ઉભા રહી ગયા હતા. આરોપીઓએ મોટરસાયકલ રોકાવી ચાવી કાઢી લીધી હતી. ત્યારબાદ શબીરહુસેનને કોલર પકડી નીચે ઉતારી "તને પૈસા આપવાના નથી, તું વારંવાર માંગણી કેમ કરે છે?" કહી ગાળો ભાંડી હુમલો શરૂ કર્યો હતો. આરોપી સલમાનશાના હાથમાં હોકી, સમીરશા પાસે લાકડી અને ઇબુ સલીમ બાનવા પાસે લોખંડનો પંચ હતો. પાંચેય શખ્સોએ એકસાથે તૂટી પડી માથા, ગરદન, કમર, હાથ અને શરીરના વિવિધ ભાગોમાં આડેધડ પ્રહારો કર્યા હતા. હુમલામાં શબીરહુસેનના જમણા હાથના કાંડા અને કોણીમાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે કપાળ, આંખની નીચે, ગરદન, પીઠ અને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. મારામારી દરમિયાન ગળામાં પહેરેલી અંદાજે બે તોલાની સોનાની ચેન પણ ઝપાઝપીમાં ગુમ થઈ ગઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હુમલાખોરોએ "આજે તને જીવતો નહીં છોડીએ" અને "તારા ટાંટિયા ભાંગી નાખીશું" જેવી ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. ઘટનાના પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસે ઈજાગરત યુવક શબીરહુસેન સુલતાનભાઈ મલેકની ફરિયાદ આધારે આરોપીઓ સલમાનશા સલીમશા શાહમદાર, સમીરશા સલીમશા શાહમદાર, ઇબુ સલીમ બાનવા, સાહીલ સલીમ બાનવા, બાબા દાદા કુરેશી વિરુદ્ધ BNS ની કલમ 189(2),190,191(3), 191(2),115(2),117(2),351(3) મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઉધારના પૈસાની ઉઘરાણી મુદ્દે થયેલા આ લોહિયાળ હુમલાએ પ્રભાસ પાટણ વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ અનેક સવાલો ઉભા કર્યા છે.
Read Original Article →