ગીર સોમનાથમાં રેન્જ IG ની સ્ટ્રાઈકિંગ ફોર્સનો સપાટો:સુત્રાપાડામાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા; 1 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો, બે બુટલેગર ધરપકડ, બે ફરાર
ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના ધંધા સામે પોલીસ તંત્ર દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રેન્જ આઈજીની સ્ટ્રાઈકિંગ ફોર્સે સુત્રાપાડા તાલુકાના લાટી ગામ અને આહિર નાથણી વાડી વિસ્તારમાં દરોડા પાડી દેશી દારૂની બે ભઠ્ઠીઓનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹98,450નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે બે બુટલેગરની ધરપકડ કરાઈ છે અને અન્ય બે ફરાર થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સ્ટ્રાઈકિંગ ફોર્સના રામદેવસિંહ જાડેજા, પ્રવીણ મોરી, રાહુલ છેલાણા, કનકસિંહ કાગડા સહિતનો સ્ટાફ સુત્રાપાડા તાલુકામાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન સુત્રાપાડાના લાટી ગામે વાછરા દાદા વાડી વિસ્તારમાં ચાલુ હાલતમાં દેશી દારૂ બનાવતી ભઠ્ઠી ઝડપાઈ હતી. સ્થળ પરથી 140 લિટર દેશી દારૂ, 1900 લિટર આથો તથા દારૂ બનાવવાના સાધનો સહિત અંદાજે ₹78,960નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ કેસમાં વિશાલ વીરાભાઈ સોલંકીને ઝડપી લેવાયો હતો, જ્યારે કાનાભાઈ કરશનભાઈ સોલંકી ફરાર થયો છે. આ ઉપરાંત, સુત્રાપાડાના આહિર નાથણી વાડી વિસ્તારમાં પણ પોલીસે દરોડો પાડી દેશી દારૂ અને આથાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં અકરમ ભીખુભાઈ મલેકની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે રમેશ રાજા બારડ ફરાર થયો છે. અહીંથી કુલ અંદાજે ₹19,490નો મુદ્દામાલ જપ્ત થયો છે. બંને બનાવો અંગે સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે સઘન શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રેન્જ આઈજી તરીકેનો ચાર્જ સંભાળનાર રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ સ્ટ્રાઈકિંગ ફોર્સ દ્વારા જિલ્લામાં દારૂ અને જુગાર જેવા દૂષણો સામે કડક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસની આ સતત કાર્યવાહીથી બુટલેગરોમાં ભયનો માહોલ સર્જાયો છે.
Read Original Article →