સોમનાથ મહિલા પોલીસની પ્રશંસનીય કામગીરી:આંધ્રપ્રદેશની મહિલા યાત્રિકનું ₹17 હજાર રોકડ અને દસ્તાવેજો સાથેનું પર્સ સુરક્ષિત પરત અપાવ્યું
સોમનાથ મહાદેવ મંદિર ખાતે ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીએ એક યાત્રિક મહિલાનું ખોવાયેલું પર્સ શોધી સુરક્ષિત રીતે પરત કર્યું છે. આ પર્સમાં રૂ. 17,000 રોકડ રકમ અને મહત્વના દસ્તાવેજો હતા. મળતી માહિતી મુજબ, સોમનાથ મહાદેવ મંદિરના સભાખંડ ખાતે ફરજ પર રહેલા અનઆર્મ્ડ મહિલા હેડ કોન્સ્ટેબલ વનિતા કાળાભાઈ રામને તેમની નિયમિત ફરજ દરમિયાન એક બિનવારસી પર્સ મળી આવ્યું હતું.
પર્સની તપાસ કરતાં તેમાં રૂ. 17,000 રોકડ રકમ ઉપરાંત મહત્વના દસ્તાવેજો મળી આવ્યા હતા. મહિલા પોલીસ કર્મચારીએ પર્સના મૂળ માલિકની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, આ પર્સ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના રહેવાસી યાત્રિક લક્ષ્મીબેન એમ. મુરલીકૃષ્ણાનું હોવાનું જાણવા મળ્યું. જરૂરી ઓળખ અને દસ્તાવેજોની ખરાઈ કર્યા બાદ, મહિલા પોલીસ કર્મચારીએ પર્સ, દસ્તાવેજો અને રોકડ રકમ યથાવત મૂળ માલિકને પરત સોંપી હતી. પોતાનું ખોવાયેલું પર્સ અને રોકડ રકમ સુરક્ષિત રીતે પાછા મળતાં યાત્રિક મહિલાએ સોમનાથ મંદિર સુરક્ષા પોલીસ અને ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કામગીરી સોમનાથ મંદિર સુરક્ષા જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા અને મંદિર પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પોલીસ વિભાગે જણાવ્યું કે મહિલા પોલીસ કર્મચારીએ ફરજનિષ્ઠા અને સંવેદનશીલતાનો પરિચય આપી ગુજરાત પોલીસ તથા ગીર સોમનાથ પોલીસની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે.
Read Original Article →