સોમનાથ ત્રિવેણી સંગમ પર ગંગા દશેરા પર્વની ઉજવણી:ગંગા અવતરણ પૂજા, જળાભિષેક અને મહાઆરતીથી પવિત્ર ધામ ગુંજી ઉઠ્યું
પ્રભાસ પાટણ સ્થિત સોમનાથ મંદિરના પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે ગંગા દશેરા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અધિક જ્યેષ્ઠ શુક્લ દશમીના શુભ અવસરે ગંગા અવતરણ પૂજા, ગંગાજળ અભિષેક અને સમૂહ મહાઆરતીનું આયોજન થયું હતું. આ પ્રસંગે સમગ્ર ત્રિવેણી સંગમ ઘાટ 'હર હર ગંગે' અને 'હર હર મહાદેવ'ના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. સોમપુરા તીર્થ પુરોહિત સમુદાયના માર્ગદર્શન હેઠળ આયોજિત આ ધાર્મિક વિધિમાં ભગવાન શિવજીની વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ગંગા લહેરી સ્તોત્રના પઠન સાથે શિવજીની જટા પર ગંગાજળથી અભિષેક કરાયો હતો. આ પ્રસંગે દસ કન્યાઓ દ્વારા ભગવાન શિવજીની પ્રતિમા પર પ્રતીકાત્મક જળાભિષેક કરવામાં આવ્યો હતો. ભારતીય સંસ્કૃતિમાં કન્યાને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી આ વિધિનું વિશેષ ધાર્મિક મહત્વ રહ્યું. આ કાર્યક્રમમાં સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમાર, તીર્થ પુરોહિત કમલ ત્રિવેદી સહિત સોમપુરા તીર્થ પુરોહિત સમુદાયના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. પરંપરાગત પરિધાનમાં સજ્જ ભૂદેવોએ સમૂહ મહાઆરતી કરી, ત્યારે ત્રિવેણી સંગમના ઘાટ પર દિવ્ય વાતાવરણ સર્જાયું હતું. આ પ્રસંગે ટ્રસ્ટી જે.ડી. પરમાર અને તીર્થ પુરોહિત કમલ ત્રિવેદીએ ગંગા દશેરાના મહત્વ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે શાસ્ત્રો અનુસાર, આ દિવસે માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હતું. ગંગામાતાના દર્શન, પૂજન અને આરતીનું અનન્ય મહાત્મ્ય છે. ભારતીય સંસ્કૃતિ નદીઓને માતૃત્વનું સ્થાન આપે છે. પ્રભાસ ક્ષેત્રે હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓનો સમુદ્ર સાથેનો સંગમ વિશેષ પવિત્ર મનાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પવિત્ર ભૂમિ પર ભગવાન શ્રીકૃષ્ણે પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યાનું ધાર્મિક મહત્વ છે. આ કારણે ગંગા દશેરા નિમિત્તે અહીં ગંગા અવતરણ પૂજાનું વિશેષ આયોજન કરાય છે. મહાઆરતી પૂર્ણ થયા બાદ તમામ ભાવિકોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. ગંગા દશેરાના આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ ત્રિવેણી સંગમ ખાતે દર્શન કરી ધર્મલાભ મેળવ્યો હતો. સાંજના સમયે પ્રજ્વલિત દીપો, શંખનાદ અને મંત્રોચ્ચાર વચ્ચે વાતાવરણ આધ્યાત્મિક બન્યું હતું.
Read Original Article →