સોમનાથ મંદિરમાં VIP દર્શનના નામે ફ્રોડ:સોમનાથ ટ્રસ્ટે ભક્તોને ચેતવ્યા, મંદિરમાં VIP દર્શનની કોઈ પ્રથા નથી; પૂજા વગેરેનું બુકિંગ માત્ર સત્તાવાર વેબસાઈટ પરથી
દેશભરના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પરમ કેન્દ્ર એવું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર હવે ડિજિટલ યુગમાં ઓનલાઈન ઠગોના નિશાને આવ્યું છે. સોમનાથ દર્શન માટે આવતા ભોળા યાત્રાળુઓને VIP દર્શન અથવા સ્પેશિયલ એન્ટ્રી અપાવવાના બહાને સોશિયલ મીડિયા અને નકલી વેબસાઈટો મારફતે છેતરપિંડી આચરવામાં આવી રહી હોવાના કિસ્સા સામે આવ્યા છે. જેને પગલે શ્રી સોમનાથ ટ્રસ્ટે ભક્તોને ભારે સાવચેતી રાખવા અને સતર્ક રહેવા માટે ખાસ અપીલ કરી છે. મંદિરમાં VIP દર્શનની કોઈ પ્રથા નથી: ટ્રસ્ટની સ્પષ્ટતા
શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું છે કે, સોમનાથ મંદિરમાં કોઈ VIP દર્શન, સ્પેશિયલ દર્શન કે પૈસા લઈને વિશેષ પ્રવેશ આપવાની કોઈ જ વ્યવસ્થા ઉપલબ્ધ નથી. સોમનાથ મંદિરમાં આવતા તમામ ભક્તો માટે દર્શનની સમાન વ્યવસ્થા છે. કોઈપણ વ્યક્તિ, એજન્ટ કે થર્ડ પાર્ટી વેબસાઈટ દ્વારા VIP પાસ અથવા ટિકિટના નામે રૂપિયા વસૂલવામાં આવતા હોય તો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર અને નકલી છે. ઓનલાઈન ઠગ કઈ રીતે શ્રદ્ધાળુઓને ફસાવે છે?
ટ્રસ્ટના આઈટી અને સિક્યોરિટી વિભાગના ધ્યાનમાં આવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી ફ્રોડ તત્વો ઓનલાઈન સર્ચ પ્લેટફોર્મ અને ડિજિટલ માધ્યમોનો દુરુપયોગ કરી રહ્યા છે. તેઓ નીચે મુજબની પદ્ધતિઓ અપનાવીને ભક્તોને શિકાર બનાવે છે: ટ્રસ્ટની સત્તાવાર વેબસાઈટ પર જ પૂજા વગેરેનું બુકિંગ
શ્રી સોમનાથ ટ્રસ્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે ભક્તોએ કોઈ પણ પૂજા કે રહેવાની વ્યવસ્થા માટે માત્ર ટ્રસ્ટની સત્તાવાર વેબસાઈટનો જ ઉપયોગ કરવો. મંદિર ટ્રસ્ટની ઓનલાઈન સેવાઓ પૂજા બુકિંગ, રૂમ આરક્ષણ (રૂમ બુકિંગ) અને પ્રસાદ ઓર્ડર માટે ટ્રસ્ટની સત્તાવાર વેબસાઈટ https://somnath.org/ પર જ બુકિંગ કરવું. ભક્તોને ખાસ સૂચના આપવામાં આવી છે કે આ એકમાત્ર સત્તાવાર વેબસાઈટ સિવાય અન્ય કોઈ પણ અજાણી વેબસાઈટ, મોબાઈલ એપ કે એજન્ટ દ્વારા અપાતી ઓફરો પર જરાય વિશ્વાસ ન કરવો. છેતરપિંડી કરનારાઓ સામે ટ્રસ્ટ એક્શન મોડમાં
આ પ્રકારની સાયબર ક્રાઈમની પ્રવૃત્તિઓને રોકવા માટે સોમનાથ ટ્રસ્ટ કડક પગલાં લઈ રહ્યું છે. ટ્રસ્ટની આઈટી ટીમ આવા ફ્રોડ પર સતત ડિજિટલ વોચ રાખી રહી છે. ગેરમાર્ગે દોરતી તમામ ઓનલાઈન માહિતી અને ભ્રામક નકલી વેબસાઈટ્સને હટાવવા માટે ગૂગલ (Google) ને સત્તાવાર રીતે જાણ કરવામાં આવી છે. આ સમગ્ર રેકેટ અને કથિત ઠગાઈમાં સંડોવાયેલા અજાણ્યા તત્વો સામે કાયદેસરની પોલીસ ફરિયાદ (FIR) દાખલ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.
ભક્તો માટે ખાસ અપીલ
સોમનાથ ટ્રસ્ટ તમામ શ્રદ્ધાળુઓને વિનંતી કરે છે કે દર્શન કે અન્ય કોઈ પણ સેવાના બુકિંગ માટે માત્ર સત્તાવાર પ્લેટફોર્મનો જ ઉપયોગ કરો. કોઈપણ અજાણી લિંક્સ પર ક્લિક કરવાનું ટાળો. જો કોઈ વ્યક્તિ સોમનાથ મંદિરમાં VIP દર્શનના નામે રૂપિયાની માંગણી કરે, તો તુરંત જ સાવચેત થઈ સંબંધિત પોલીસ તંત્ર અથવા સોમનાથ ટ્રસ્ટના સત્તાવાર હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી જાણ કરો, જેથી આવી ઠગાઈથી બચી શકાય.
Read Original Article →