રાજસ્થાનના 1008 વરિષ્ઠ નાગરિકોએ સોમનાથના દર્શન કર્યા:વિશેષ તીર્થયાત્રા ટ્રેનમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’નો આધ્યાત્મિક આનંદ મેળવ્યો, લાઈટ એન્ડ સાઉન્ડ શોનો આનંદ માણ્યો
સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ઉજવાઈ રહ્યો છે. ત્યારે રાજસ્થાન સરકારની વરિષ્ઠ નાગરિક તીર્થયાત્રા યોજના હેઠળ રાજસ્થાનના 1008 વરિષ્ઠ નાગરિકોએ પ્રભાસ પાટણ ખાતે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી આધ્યાત્મિક આનંદ મેળવ્યો હતો. વિશેષ તીર્થયાત્રા ટ્રેન મારફતે આવેલા યાત્રિકોએ સોમનાથ મહાદેવના દર્શન કરી દેશની અખંડ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાનો સાક્ષાત્કાર કર્યો હતો. વેરાવળ રેલવે સ્ટેશન પર પરંપરાગત સ્વાગત
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વેરાવળ રેલવે સ્ટેશન પર યાત્રાળુઓનું ભવ્ય અને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતની લોકસંસ્કૃતિ, વાદ્યસંગીત અને સાંસ્કૃતિક રંગોથી સજાયેલા સ્વાગત સમારોહથી રાજસ્થાનના વરિષ્ઠ નાગરિકો પ્રભાવિત થયા હતા. સંધ્યા આરતી અને લાઈટ એન્ડ સાઉન્ડ શોનો આનંદ
સોમનાથ મંદિરે યાત્રિકોએ સંધ્યા આરતીમાં ભાગ લઈ ભક્તિભાવથી મહાદેવની આરાધના કરી હતી. ત્યારબાદ મંદિર પરિસરમાં યોજાતા લાઈટ એન્ડ સાઉન્ડ શો દ્વારા તેમણે સોમનાથ મંદિરની ગૌરવશાળી પૌરાણિક અને ઐતિહાસિક ગાથા જાણી હતી. મંદિર પર થયેલા આક્રમણો અને તેના પુનઃસ્થાપનની પ્રેરણાદાયી કથાએ યાત્રાળુઓમાં રાષ્ટ્રીય ગૌરવની ભાવના મજબૂત કરી હતી. અવિનાશી આધ્યાત્મિક વિરાસત
સોમનાથ મંદિર ભારતની અવિનાશી આધ્યાત્મિક વિરાસતનું પ્રતિક છે. અનેક વખત નુકસાન પામ્યા બાદ પણ અડીખમ ઉભેલા આ મંદિરનું પુનઃનિર્માણ સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસોથી થયું હતું. મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવાતું ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ દેશની સાંસ્કૃતિક ચેતના અને આધ્યાત્મિક એકતાનો મહોત્સવ બની રહ્યું છે. યાત્રાળુઓ માટે સુવ્યવસ્થિત આયોજન
ગીર સોમનાથ જિલ્લાના વિવિધ સ્થળોએ યાત્રાળુઓ માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. વેરાવળથી એસી બસો દ્વારા તેમને 3-સ્ટાર હોટલોમાં રોકાણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે જ ગુણવત્તાયુક્ત નાસ્તો, બપોર અને સાંજના ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.પ્રવાસ દરમિયાન વરિષ્ઠ નાગરિકોએ પવિત્ર ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત યાત્રાળુઓએ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત તૈયાર કરાયેલી વિશેષ ગેલેરી અને હાટ બજારની મુલાકાત લઈ સ્થાનિક સંસ્કૃતિ, હસ્તકલા અને પરંપરાઓ નિહાળી હતી. ધાર્મિક સ્થળોની મુલાકાત દ્વારકા અને નાગેશ્વર તરફ પ્રયાણ સોમનાથ મહાદેવના દર્શન અને પ્રભાસક્ષેત્રની યાત્રા પૂર્ણ કર્યા બાદ તમામ 1008 વરિષ્ઠ નાગરિકો વિશેષ તીર્થયાત્રા ટ્રેન મારફતે દ્વારકા અને નાગેશ્વર ધામના દર્શનાર્થે રવાના થયા હતા. આ યાત્રાએ માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પરંતુ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા અને રાષ્ટ્રીય એકતાનો પણ જીવંત સંદેશ આપ્યો હતો.
Read Original Article →