વેરાવળ-પાટણ નગરપાલિકા ટીમ મુખ્યમંત્રીને મળી:સોમનાથ નામકરણ અને વેરાવળ-સોમનાથના વિકાસ કાર્યો પર ચર્ચા કરી

Gujarat6/10/2026, 3:41:56 AM
વેરાવળ-પાટણ નગરપાલિકા ટીમ મુખ્યમંત્રીને મળી:સોમનાથ નામકરણ અને વેરાવળ-સોમનાથના વિકાસ કાર્યો પર ચર્ચા કરી
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ નરેશ ગોહિલ, ઉપપ્રમુખ હેમાબેન જેઠવા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ શાહ સહિતના સભ્યોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગીર સોમનાથના ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સંસદ તરીકે ઉમેદવારી નોંધાવનાર માનસિંગ પરમારને શુભકામનાઓ પાઠવી હતી. આ બેઠક વેરાવળ અને સોમનાથ વિસ્તારના વિવિધ વિકાસ કાર્યો અંગે માર્ગદર્શન મેળવવા અને વિકાસલક્ષી કાર્યો કરવાનો સંકલ્પ કરવા માટે યોજાઈ હતી. આ બેઠકમાં નગરપાલિકાના પ્રતિનિધિઓએ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાનું નામ બદલીને "સોમનાથ નગરપાલિકા" કરવા અંગે રજૂઆત કરી હતી. તેમણે સોમનાથની ઐતિહાસિક, ધાર્મિક અને વૈશ્વિક ઓળખને ધ્યાનમાં રાખીને આ નામ પરિવર્તન માટે વિનંતી કરી હતી. "વિકસિત વેરાવળ-સોમનાથ"ના વિઝન હેઠળ અનેક વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ધાર્મિક અને હેરિટેજ ટૂરિઝમના વિકાસ, આધુનિક શહેરી સુવિધાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા, ટ્રાફિક મેનેજમેન્ટ અને સૌંદર્યીકરણ જેવા વિષયોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, દરિયાકાંઠા વિસ્તાર અને માછીમારી ઉદ્યોગના વિકાસ માટે વિશેષ યોજનાઓ, રોજગાર સર્જન અને સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવા માટેના પ્રોજેક્ટ્સ પર પણ વિગતવાર ચર્ચા થઈ હતી. પ્રતિનિધિઓએ "વિકસિત ગુજરાત @ 2047" અને "વિકસિત ભારત @ 2047"ના વિઝન સાથે વેરાવળ-સોમનાથના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારના માર્ગદર્શન અને સહયોગ અંગે પણ ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન "વિકસિત ભારત – વિકસિત ગુજરાત – વિકસિત વેરાવળ સોમનાથ"ના સંકલ્પને દ્રઢ કરવામાં આવ્યો હતો.
Read Original Article →