હિરણ નદીમાં ગેરકાયદે ખનીજ ચોરીનો પર્દાફાશ:મામલતદાર ટીમે દરોડો પાડી JCB, હિટાચી જપ્ત કર્યા; વિભાગો પર સાંઠગાંઠના આક્ષેપ

Gujarat6/6/2026, 11:08:16 AM
હિરણ નદીમાં ગેરકાયદે ખનીજ ચોરીનો પર્દાફાશ:મામલતદાર ટીમે દરોડો પાડી JCB, હિટાચી જપ્ત કર્યા; વિભાગો પર સાંઠગાંઠના આક્ષેપ
ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ નજીક હિરણ નદીમાં છેલ્લા એક મહિનાથી ચાલતી ગેરકાયદે ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે. શીતળા માતાજી મંદિર વિસ્તારમાં આ ખનીજ ચોરી ચાલી રહી હતી. સ્થાનિકોની વારંવારની રજૂઆતો છતાં ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી ન કરતા, આખરે જિલ્લા કલેક્ટરે મામલતદારની ટીમને દરોડો પાડવાનો આદેશ આપ્યો હતો. કલેક્ટરની સૂચના બાદ વેરાવળ મામલતદાર રજનીકાંત પરસાણિયાની ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો. આ કાર્યવાહીમાં એક જેસીબી, એક હિટાચી મશીન અને બે ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો. જોકે, સ્થાનિકોના મતે, નદીમાંથી દરરોજ ૧૫થી વધુ ટ્રેક્ટર અને ત્રણ જેટલા મશીનો દ્વારા મોટા પાયે ખનીજ ખનન થતું હતું. સ્થાનિક ખેડૂત અસલમભાઈ શેખે આક્ષેપ કર્યો છે કે તેમણે ખાણ-ખનીજ વિભાગ, સિંચાઈ વિભાગ અને અન્ય સંબંધિત અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરી હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી. તેમણે જણાવ્યું કે ખનીજ ચોરી રોકવાનો પ્રયાસ કરવા બદલ તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સિંચાઈ વિભાગ દ્વારા કેટલાક ખેડૂતોના નામે માટીકાપ માટે પરવાનગી આપવામાં આવી હતી. આ મંજૂરીનો દુરુપયોગ કરીને ખનીજ માફિયાઓ રેતી અને લાઇમ સ્ટોન જેવા કિંમતી ખનીજનું મોટા પાયે ખનન કરતા હતા. મંજૂરી પ્રક્રિયામાં ખાણ-ખનીજ વિભાગનો જરૂરી અભિપ્રાય લેવાયો ન હોવાના પણ આક્ષેપો થયા છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે તંત્રના કેટલાક ભ્રષ્ટ તત્વો દ્વારા ખનીજ માફિયાઓને દરોડાની અગાઉથી જાણ કરી દેવાઈ હતી. પરિણામે, મોટાભાગના વાહનો અને મશીનો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા, જેના કારણે મર્યાદિત મુદ્દામાલ જ જપ્ત થઈ શક્યો. આ સમગ્ર ઘટનાએ ગીર સોમનાથ જિલ્લામાં ખનીજ ચોરીના સંગઠિત નેટવર્ક અને વિવિધ વિભાગોની સંભવિત મિલીભગત અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર દ્વારા આ પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી રહી છે. જવાબદાર તંત્રની સાંઠગાંઠના આક્ષેપો મુદ્દે નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે જણાવ્યું કે, આ મામલે તપાસ કરવામાં આવશે અને જે કોઈ જવાબદાર હશે તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Read Original Article →