સોમનાથ નજીક હિટ એન્ડ રન:મહિલા યાત્રિકને ટક્કર મારી કારચાલક ફરાર, મહિલા હોસ્પિટલમાં; પોલીસ તપાસ શરૂ

Gujarat6/4/2026, 5:26:50 AM
સોમનાથ નજીક હિટ એન્ડ રન:મહિલા યાત્રિકને ટક્કર મારી કારચાલક ફરાર, મહિલા હોસ્પિટલમાં; પોલીસ તપાસ શરૂ
ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ ખાતે આવેલા વિશ્વવિખ્યાત સોમનાથ મંદિર નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે. મહારાષ્ટ્રથી દર્શનાર્થે આવેલી 65 વર્ષીય મહિલા યાત્રિકને અજાણ્યા ફોર વ્હીલર ચાલકે ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માત સોમનાથ મંદિરના હમીરજી સર્કલ નજીક પાર્કિંગ વિસ્તારમાં ટ્રાફિક નિયમન પોઇન્ટ પાસે થયો હતો. અકસ્માત બાદ આસપાસના લોકો અને પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઇજાગ્રસ્ત મહિલાની ઓળખ મહારાષ્ટ્રના કાંતાબાઈ અશોકગીરી (ઉ.વ. 65) તરીકે થઈ છે. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે પ્રભાસ પાટણ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક સારવાર બાદ તેમની સ્થિતિ સ્થિર અને સારી હોવાનું હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું છે. અકસ્માતના પગલે હમીરજી સર્કલ અને પાર્કિંગ વિસ્તાર પાસે થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વાહન વ્યવહારને પુનઃ સુચારુ બનાવ્યો હતો. બીજી તરફ, અકસ્માત સર્જી ફરાર થયેલા કારચાલકને શોધવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ અને અન્ય તકનીકી પુરાવાઓના આધારે ફરાર વાહન અને ચાલકની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું છે કે આ હિટ એન્ડ રનની ઘટનામાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આરોપી વાહનચાલકને ટૂંક સમયમાં ઝડપી લેવામાં આવશે.
Read Original Article →