PMના યુરોપ પ્રવાસની સાથે વેરાવળના ઉદ્યોગપતિ:વેપાર વિકાસ કોન્ફરન્સમાં ભારતીય પ્રતિનિધિમંડળનો ભાગ બન્યા

Gujarat5/19/2026, 10:05:48 AM
PMના યુરોપ પ્રવાસની સાથે વેરાવળના ઉદ્યોગપતિ:વેપાર વિકાસ કોન્ફરન્સમાં ભારતીય પ્રતિનિધિમંડળનો ભાગ બન્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુરોપ પ્રવાસ દરમિયાન વેરાવળના જાણીતા સીફૂડ ઉદ્યોગપતિ જગદીશ વેલજીભાઈ ફોફંડીને ભારતીય પ્રતિનિધિમંડળમાં સામેલ થવાનો અવસર મળ્યો છે. આ પ્રવાસ ૧૬ મે થી ૨૨ મે, ૨૦૨૬ દરમિયાન યોજાઈ રહ્યો છે. આ પ્રવાસમાં વડાપ્રધાન યુએઈ, નોર્વે, સ્વીડન, નેધરલેન્ડ અને ઇટાલી જેવા પાંચ મહત્વપૂર્ણ દેશોના વડાપ્રધાનો અને ઉદ્યોગ નેતાઓ સાથે વેપાર, માછીમારી, બ્લુ ઇકોનોમી, સમુદ્રી નિકાસ, ટેકનોલોજી અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા ઉચ્ચ સ્તરીય ચર્ચાઓ કરી રહ્યા છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ ભારતને વૈશ્વિક વેપાર અને સમુદ્રી અર્થતંત્રમાં વધુ મજબૂત સ્થાન અપાવવાનો છે, જેમાં ખાસ કરીને સીફૂડ નિકાસ અને દરિયાકાંઠાની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈ આપવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ ઐતિહાસિક પ્રતિનિધિમંડળમાં, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ અને સીફૂડ એક્સપોર્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રમુખ જગદીશ વેલજીભાઈ ફોફંડીને ભારત સરકાર અને પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઘટના વેરાવળ, સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ખારવા સમાજ માટે ગર્વ અને સન્માનની ક્ષણ છે. વેરાવળના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે ખારવા સમાજના કોઈ આગેવાનને ભારત સરકારના આંતરરાષ્ટ્રીય વેપાર પ્રતિનિધિમંડળમાં સ્થાન મળ્યું હોય. જગદીશભાઈ ફોફંડી વર્ષોથી માછીમારી ઉદ્યોગ, સીફૂડ નિકાસ અને સમાજસેવામાં સક્રિય રહીને વેરાવળ અને દેશનું નામ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરી રહ્યા છે. તેમની આ સિદ્ધિ યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની છે કે મહેનત, દૃઢતા અને સમાજપ્રેમ દ્વારા વૈશ્વિક સ્તરે પણ ઓળખ બનાવી શકાય છે. સમગ્ર વેરાવળ શહેર, ખારવા સમાજ અને વિવિધ વેપારી એસોસિએશનોના અગ્રણીઓએ જગદીશભાઈ વેલજીભાઈ ફોફંડીને આ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
Read Original Article →