માર્ગદર્શન અપાયું:આલીદ્રા ગામે સમતોલ ખાતરના ઉપયોગ માટે નિગરાની સમિતિની બેઠક મળી
ગીર સોમનાથનાં તમામ ગામોમાં 16 મેથી 15 જૂન સુધી સમિતિની બેઠકનું આયોજન કરાયું છે. જે અંતર્ગત આજે સુત્રાપાડાના અલીદ્રા ગામે નીગરાની સમિતિની બેઠક મળી હતી જેમાં એ.કે.બારડ વિસ્તરણ અધિકારી ખેતી દ્વારા ખેડૂતને જમીનની તંદુરસ્તી જાળવવા તથા પાક ઉત્પાદનમાં વધારો કરવા માટે ખાતરના સંતુલિત ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી થકી ખાતરનો બચાવ અને જમીન વ્યવસ્થા અંગેની ચર્ચા કરાઈ હતી. જિલ્લાની ગ્રામ પંચાયત ખાતે સમતોલ અને સંકલિત રાસાયણિક ખાતરના વપરાશ અંગે નિગરાની સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, ગ્રામ સેવક, તલાટી, પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા આત્મા પ્રોજેક્ટના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન ખેડૂતોને જમીનની તંદુરસ્તી જાળવવા, પાક ઉત્પાદનમાં વધારો કરવા તેમજ રાસાયણિક ખાતરના સંતુલિત ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ પ્રાકૃતિક ખેતી અપનાવી ખાતરનો બચાવ અને જમીનના સ્વાસ્થ્યનું સંરક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મુકાયો હતો. સમિતિ દ્વારા જમીન પરીક્ષણ આધારીત ખાતર ઉપયોગ માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવાનો નિર્ણય લેવાયો હતો. યુરિયા, ડીએપી સહિતના રાસાયણિક ખાતરોના અતિરેક ઉપયોગને રોકવા તેમજ કાળાબજારી સામે કડક પગલાં લેવા ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં નેનો યુરિયા અને નેનો ડીએપીના વધતા ઉપયોગ, જૈવિક અને સજીવ ખાતરોના પ્રચાર-પ્રસાર, પ્રાકૃતિક ખેતી અંગે કેમ્પ યોજવા તથા ખેડૂતોમાં જાગૃતિ લાવવા સહિયારા પ્રયાસો હાથ ધરવા નક્કી કરવામાં આવ્યું હતું. અંતે તમામ સભ્યોનો આભાર માની બેઠક પૂર્ણ કરવામાં આવી હતી.
Read Original Article →