ગીર સોમનાથના માનસિંહ પરમાર રાજ્યસભાના ઉમેદવાર:ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખની પસંદગી, વેરાવળમાં અભિનંદન
માનસિંહભાઈ પરમારને રાજ્યસભાના સાંસદ પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેમની પસંદગી થતા વેરાવળના કાજલી APMC માર્કેટિંગ યાર્ડ ખાતે કાર્યકર્તાઓ અને સામાજિક અગ્રણીઓએ રૂબરૂ મુલાકાત લઈ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.ગીર સોમનાથના વેરાવળ ખાતે ભાજપના ઉચ્ચ હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ અને સમર્થકો કાજલી APMC માર્કેટિંગ યાર્ડ સ્થિત તેમની ઓફિસે પહોંચ્યા હતા. આ પ્રસંગે ફટાકડા ફોડી અને મીઠા મોઢા કરાવી ઉજવણી કરવામાં આવી હતી.આ તકે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાના ચેરમેન અતુલભાઇ એમ. કાનાબાર, ચેરમેન એમિરેટ્સ કિરીટભાઈ ઉનડકટ, ગિરીશ ઠક્કર, સમીર ચંદ્રાણી,અનિસ રાચ્છ સહિતના હોદ્દેદારોએ માનસિંહભાઈની ઉમેદવારીને આવકારી હતી. તેમણે સૌરાષ્ટ્રમાં સૌથી નાની વયના રાજ્યસભાના સંસદ પદે ઉમેદવારી થવા બદલ શુભકામનાઓ પાઠવી હતી.માનસિંહભાઈ પરમાર હંમેશા પાર્ટીને સમર્પિત રહી નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા રહ્યા છે. તેમને ભારતીય જનતા પાર્ટીના સમર્થકોના માર્ગદર્શક તરીકે જોવામાં આવે છે. તેમની રાજકીય કારકિર્દી અને અંગત વિગતો નીચે મુજબ છે.તેમની ઉંમર 45 વર્ષ છે અને તેમણે B.E. (કેમિકલ એન્જિ.) તથા LLB નો અભ્યાસ કર્યો છે. તેમના પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ ગીર સોમનાથના વતની છે અને OBC કારડિયા રાજપૂત જ્ઞાતિમાંથી આવે છે. હાલ તેઓ બક્ષીપંચ મોરચા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે કાર્યરત છે.તેમની રાજકીય કારકિર્દી 1999માં ABVPના સક્રિય કાર્યકર તરીકે શરૂ થઈ હતી. ત્યારબાદ તેઓ 2005-2007 દરમિયાન સુત્રાપાડા તાલુકા ભાજપ યુવાના પ્રમુખ, 2008-2010માં જૂનાગઢ જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ, અને 2010-2012માં ગુજરાત રાજ્ય ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ રહ્યા હતા.વર્ષ 2012-2014માં તેઓ બીજેપી યુવા મોરચા કોરોબારી સમિતિના સભ્ય બન્યા. 2015-2020 દરમિયાન ગીર સોમનાથ જિલ્લા પંચાયતના સભ્ય અને 2016–2020માં ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે સેવા આપી. 2020માં તેઓ ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ બન્યા હતા. 2022માં તેમણે ગીર સોમનાથ વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી હતી. પારિવારિક રીતે, તેઓ તાલાલાના પૂર્વ ધારાસભ્ય તેમજ ગુજરાતના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પરમારના સગા ભત્રીજા છે. તેઓ હાલ સંયુક્ત પરિવારમાં રહે છે. ગોવિંદભાઈ પરમાર ગુજકોમાસોલના ડિરેક્ટર પણ છે.રાજકીય વિશ્લેષકોના મતે, માનસિંહભાઈની ઉમેદવારીથી 2017ની ધારાસભા ચૂંટણીમાં સોમનાથ સીટ ભાજપના ફાળે લાવવામાં મદદ મળી શકે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સોમનાથ સીટ ભાજપ લાવવાની અપેક્ષા પૂર્ણ કરવામાં પણ આ ઉમેદવારી સરળતા લાવશે.માનસિંહભાઈ પરમારની રાજ્યસભાના સંસદ પદે પસંદગી થવાથી ગીર સોમનાથ જિલ્લાનો વિકાસ,ખાસ કરીને સોમનાથ કોરિડોરની ઝડપી અમલવારી, સહિત સૌરાષ્ટ્રના અનેક પ્રશ્નોના નિરાકરણ અને વિકાસમાં વેગ લાવવા માટે આ ઉમેદવારીને મહત્વની માનવામાં આવે છે.
Read Original Article →