ગીર સોમનાથને નવા કલેક્ટર મળ્યા:જીતેન્દ્રસિંહ વાઘેલાએ સોમનાથ દર્શન બાદ પદભાર સંભાળ્યો
ગીર સોમનાથ જિલ્લાના નવા કલેક્ટર તરીકે જીતેન્દ્રસિંહ એન. વાઘેલાએ વિધિવત્ રીતે પદભાર સંભાળ્યો છે. રાજ્ય સરકારના તાજેતરના આઈએએસ અધિકારીઓના બદલી આદેશ હેઠળ તેમની નિમણૂક કરવામાં આવી હતી. પદભાર સંભાળતા પહેલા, નવનિયુક્ત કલેક્ટર વાઘેલાએ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ તેમણે કલેક્ટર કચેરી ખાતે ચાર્જ સંભાળ્યો હતો. પૂર્વ જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે તેમને ચાર્જ સુપ્રત કર્યો હતો. ઉપાધ્યાય હવે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવશે. જીતેન્દ્રસિંહ વાઘેલા વહીવટી ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. તેમણે અગાઉ સુરત અને અમદાવાદ મહાનગરપાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે તેમજ ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા આપી છે. શહેર વિકાસ, નગર આયોજન અને વહીવટી કામગીરીમાં તેમનો અનુભવ ગીર સોમનાથ જિલ્લાના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાઈ રહ્યો છે. પદભાર સંભાળ્યા બાદ, નવા કલેક્ટર વાઘેલાએ જણાવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે લોકોના સહકાર અને સંકલન સાથે કામગીરી કરાશે. તેમણે વિકાસલક્ષી યોજનાઓને ગતિ આપવા અને પ્રજાલક્ષી વહીવટને વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જિલ્લાના વહીવટી તંત્ર, વિવિધ વિભાગોના અધિકારીઓ અને આગેવાનો દ્વારા નવા કલેક્ટરનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Read Original Article →