ગોવિંદપરા મનરેગા કૌભાંડ: તત્કાલીન સરપંચ-ઉપસરપંચ સામે FIR:મૃતકો-વિદેશીઓના નામે ખોટા જોબકાર્ડ બનાવી 71,684નું નુકસાન પહોંચાડ્યું

Gujarat5/22/2026, 6:01:59 AM
ગોવિંદપરા મનરેગા કૌભાંડ: તત્કાલીન સરપંચ-ઉપસરપંચ સામે FIR:મૃતકો-વિદેશીઓના નામે ખોટા જોબકાર્ડ બનાવી 71,684નું નુકસાન પહોંચાડ્યું
વેરાવળ તાલુકાના ગોવિંદપરા ગામે મનરેગા યોજનામાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. વેરાવળ તાલુકા પંચાયતના TDO રાજેશ ટીલાવતે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે તત્કાલીન સરપંચ ગનીભાઈ નુરભાઈ સુમરા અને ઉપસરપંચ ઈસાભાઈ ઇબ્રાહિમભાઈ ચૌહાણ વિરુદ્ધ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, વર્ષ 2012 થી 2016 દરમિયાન મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના (મનરેગા) હેઠળ ગોવિંદપરા ગામમાં વ્યાપક ગેરરીતિ આચરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે મૃતકો, વિદેશમાં વસવાટ કરતા લોકો, અન્યત્ર નોકરી કરતા લોકો અને ક્યારેય કામ પર હાજર ન રહેલા વ્યક્તિઓના નામે ખોટી હાજરી દર્શાવી સરકારી ભંડોળ ઉપાડી લેવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં ગેરહાજર લોકોના નામે હાજરી રજીસ્ટરમાં ખોટી ઓળખ આપી કાવતરું રચવામાં આવ્યું હતું. આ રીતે સરકારને કુલ રૂ. 71,684નું નાણાકીય નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ સમગ્ર ગેરરીતિમાં તત્કાલીન સરપંચ અને ઉપસરપંચની સીધી સંડોવણી હોવાનું બહાર આવતા તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ખાસ કરીને, કેટલાક મૃત વ્યક્તિઓ તેમજ પાકિસ્તાનમાં વસવાટ કરતા લોકોના નામે પણ જોબકાર્ડ બનાવી ચૂકવણી કરવામાં આવી હોવાના આક્ષેપોથી આ મામલો વધુ ગંભીર બન્યો છે. સરકારી યોજનાઓમાં પારદર્શિતાના દાવાઓ વચ્ચે આ કૌભાંડ બહાર આવતા ગ્રામ્ય વિકાસ યોજનાઓના અમલીકરણ સામે પણ સવાલો ઉભા થયા છે. પ્રભાસ પાટણ પોલીસે ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતાની કલમ 406, 409, 420, 468, 471 અને 114 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે તમામ નાણાકીય વ્યવહારો, હાજરી રજીસ્ટરો અને મનરેગા સંબંધિત દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
Read Original Article →