લાટી દરિયાકાંઠે ગેરકાયદે રેતી ચોરી પર દરોડો:કલેક્ટરની સૂચનાથી 6 ટ્રેક્ટર સહિત ₹30 લાખનો મુદ્દામાલ સીઝ
ગીર સોમનાથ જિલ્લાના લાટી ગામ નજીક દરિયાકાંઠે ગેરકાયદેસર રેતી ચોરી પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાની સૂચનાથી ખાણ-ખનીજ વિભાગની ટીમે વહેલી સવારે દરોડો પાડી ગેરકાયદેસર રેતીનું પરિવહન કરતા 6 ટ્રેક્ટર ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહીમાં આશરે ₹30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઝડપાયેલા ટ્રેક્ટરોમાં GJ11M7594, GJ32AA0732, GJ11AD2418, GJ32AA2369, GJ09AD3275 અને GJ23BD9849 નંબરના વાહનોનો સમાવેશ થાય છે. વહેલી સવારે થયેલી આ અચાનક કાર્યવાહીથી સમગ્ર પંથકમાં ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સ્થાનિકોના આક્ષેપ મુજબ, લાટી અને આસપાસના દરિયાકાંઠા વિસ્તારમાં લાંબા સમયથી સુનિયોજિત રીતે દરિયાઈ રેતીની ચોરી ચાલી રહી હતી. રાત્રિના અંધકારમાં ટ્રેક્ટરો દ્વારા મોટા પ્રમાણમાં રેતી કાઢી બારોબાર વેચાણ કરવામાં આવતું હોવા છતાં જવાબદાર તંત્રની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠી રહ્યા છે. દરિયાઈ રેતીની ગેરકાયદેસર ચોરી માત્ર સરકારને આવકનું નુકસાન પહોંચાડે છે એટલું જ નહીં, પરંતુ પર્યાવરણ માટે પણ વિનાશકારી સાબિત થઈ રહી છે. દરિયા કિનારાનું ધોવાણ, કુદરતી સંતુલન ખોરવાઈ જવું અને ભવિષ્યમાં પર્યાવરણીય જોખમ ઊભા થવાની ભીતિ વચ્ચે હવે લોકોમાં એવી માંગ ઉઠી છે કે કલેક્ટર માત્ર વાહનો સીઝ કરીને અટકી ન જાય, પરંતુ સમગ્ર ખનીજ ચોરીના નેટવર્ક અને તેમાં સંકળાયેલા જવાબદાર અધિકારીઓ સામે પણ કડક અને નિષ્પક્ષ કાર્યવાહી કરે.
Read Original Article →