ગીર સોમનાથમાં વિકાસ, જનકલ્યાણના કાર્યક્રમોનું આયોજન:નિવાસી અધિક કલેક્ટરે 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન' સહિતના કાર્યક્રમોની માહિતી આપી

Gujarat6/4/2026, 2:32:39 PM
ગીર સોમનાથમાં વિકાસ, જનકલ્યાણના કાર્યક્રમોનું આયોજન:નિવાસી અધિક કલેક્ટરે 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન' સહિતના કાર્યક્રમોની માહિતી આપી
વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગીર સોમનાથ જિલ્લામાં વિકાસ, જનજાગૃતિ અને જનકલ્યાણલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોની વિગતવાર માહિતી નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે વેરાવળ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં આપી હતી. નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે જણાવ્યું હતું કે, જિલ્લામાં 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન', 'પ્રગતિ પથ યાત્રા' અને 'જનકલ્યાણ શિબિર' જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય છેલ્લા 12 વર્ષના વિકાસકાર્યોની જાણકારી નાગરિકો સુધી પહોંચાડવાનો અને સરકારી યોજનાઓના લાભાર્થીઓને સીધો લાભ આપવાનો છે. આ ઉપરાંત, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જિલ્લાભરમાં વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવશે. વન વિભાગના સહયોગથી દરેક ગામમાં ઓછામાં ઓછા 12 વૃક્ષોનું વાવેતર કરાશે, જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ પણ જોડાશે. 11 જૂનથી 21 જૂન સુધી યોજાનારા કાર્યક્રમો તા. 11 જૂનના રોજ વેરાવળના નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લા કક્ષાનું 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન' યોજાશે. આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતાઓ, મહિલા સશક્તિકરણ ક્ષેત્રે સન્માનિત મહિલાઓ અને વિવિધ ક્ષેત્રના અગ્રણી નાગરિકો સહિત આશરે 500 જેટલા બૌદ્ધિકો ઉપસ્થિત રહેશે. તા. 15 થી 17 જૂન દરમિયાન જિલ્લાની તમામ 28 જિલ્લા પંચાયત બેઠકોમાં 'જનકલ્યાણ શિબિરો' યોજાશે. આ શિબિરોમાં આયુષ્યમાન ભારત, આયુષ્યમાન વયવંદના, પીએમ સૂર્યઘર યોજના, સ્વનિધિ યોજના, ફિશરીઝ કાર્ડ સહિત સેવા સેતુ અંતર્ગત મળતી અંદાજે 55 જેટલી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવાશે. વેરાવળમાં 5, સુત્રાપાડામાં 4, તાલાળામાં 3, કોડીનારમાં 5, ઉનામાં 7 અને ગીર ગઢડામાં 4 શિબિરોનું આયોજન કરાયું છે. તા. 12 અને 13 જૂન દરમિયાન 'પ્રગતિ પથ યાત્રા' યોજાશે. જિલ્લાના વિવિધ વિકાસકાર્યોનું પ્રત્યક્ષ નિદર્શન કરાવતી આ યાત્રામાં પ્રથમ દિવસે ધારાસભ્યો અને મહાનુભાવો જોડાશે, જ્યારે બીજા દિવસે વિદ્યાર્થીઓ, યુવાનો અને અગ્રણી નાગરિકો ભાગ લેશે. યાત્રાનો રૂટ વેરાવળ-તાલાળા-ગીર ગઢડા-ઉના-કોડીનાર-સુત્રાપાડા-વેરાવળ રહેશે. આ ઉપરાંત, સરકારની સિદ્ધિઓની પ્રદર્શની અને સ્વચ્છતા અભિયાન પણ યોજાશે. તા. 15 જૂને વેરાવળની આહીર સમાજ વાડી ખાતે પ્રાકૃતિક કૃષિ વર્કશોપનું આયોજન કરાશે, જેમાં પ્રાકૃતિક ખેતી આધારિત 30 જેટલા સ્ટોલ ઉભા કરાશે. જિલ્લામાં 21 જૂને વિશ્વ યોગ દિવસની પણ વ્યાપક ઉજવણી કરવામાં આવશે. શાળા-કોલેજો, યુનિવર્સિટીઓ, જાહેર અને ઐતિહાસિક સ્થળોએ સામૂહિક યોગાસન સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે.
Read Original Article →