₹3.86 કરોડ છેતરપિંડીનો મુખ્ય આરોપી 8 વર્ષે ઝડપાયો:ગીર સોમનાથ પોલીસે વડોદરામાંથી દબોચ્યો, 355 રોકાણકારો સાથે વિશ્વાસઘાત

Gujarat4/9/2026, 7:06:46 PM
₹3.86 કરોડ છેતરપિંડીનો મુખ્ય આરોપી 8 વર્ષે ઝડપાયો:ગીર સોમનાથ પોલીસે વડોદરામાંથી દબોચ્યો, 355 રોકાણકારો સાથે વિશ્વાસઘાત
ગીર સોમનાથ પોલીસે 8 વર્ષથી ફરાર ₹3.86 કરોડની છેતરપિંડીના મુખ્ય આરોપીને વડોદરામાંથી ઝડપી પાડ્યો છે. આ આરોપીએ 355 રોકાણકારો સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આરોપીએ "રીયલ ઈન્ડિયા ઈન્ફાવેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ" નામની કંપની બનાવી હતી. આ કંપની દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના નોકરીયાત અને મજૂર વર્ગના લોકોને ઊંચા વળતરની લાલચ આપી રોકાણ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ રોકાણકારો સાથે વિશ્વાસઘાત કરીને મોટી રકમની છેતરપિંડી આચરી આરોપી ફરાર થઈ ગયો હતો. જુનાગઢ રેન્જના ડીઆઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવા વિશેષ સૂચના અપાઈ હતી. મીસિંગ સેલની ટીમને મળેલી સચોટ બાતમીના આધારે, આરોપી ધ્રુવ ઉર્ફે મનીષકુમાર રામસમુજ નિષાદ (ઉંમર 53)ને વડોદરાના ગોરવા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો. આરોપી છેલ્લા ઘણા વર્ષોથી પોતાનું નામ અને રહેઠાણ બદલીને ફરાર હતો. આરોપી સામે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 86/2018 (IPC કલમ 406, 409, 420, 120B તથા GPID એક્ટ કલમ 3) અને ઉના પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 12/2019 (IPC કલમ 406, 409, 420, 120B તથા GPID એક્ટ કલમ 3) હેઠળ ગુના નોંધાયેલા છે. મીસિંગ સેલના ઈન્ચાર્જ પીએસઆઈ જે.આર. ડાંગર, એએસઆઈ શૈલેષભાઈ ડોડીયા, હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ ગોહિલ અને કોન્સ્ટેબલ અજીતસિંહ વાળા સહિતની ટીમે આ સફળ કામગીરી કરી છે.
Read Original Article →