સોશિયલ મીડિયા પર ભય ફેલાવવો પડ્યો ભારે:હથિયાર સાથે અજય ઉર્ફે દાદા શુકલ ફોટા મૂકતો હતો; SOGએ એરગન, તલવાર અને છરી સાથે ઝડપ્યો
ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સોશ્યલ મીડીયામાં સખત નજર રાખવામાં આવી રહી છે. ત્યારે સુત્રાપાડા વિસ્તારમાં હથિયારો સાથે ફોટા વાયરલ કરી લોકમાનસમાં ખોટી દહેશત ફેલાવનાર એક ઇસમને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પ્રાપ્ત વિગતો મુજબ, જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સોશિયલ મીડિયા મોનિટરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન એસ.ઓ.જી. શાખાની ટીમ સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપી અજય ઉર્ફે દાદા અમુભાઈ શુકલ (ઉ.વ. 30) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી હાલ સુત્રાપાડા તાલુકાના ઘંટીયા ગામે ભાડાના મકાનમાં રહેતો હોવાનું સામે આવ્યું છે, જ્યારે તેનું મૂળ વતન અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી વિસ્તારમાં છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપી પોતાના હાથમાં એરગન, તલવાર અને છરી જેવા હથિયારો લઈને ફોટા પાડી સોશિયલ મીડિયા પર અપલોડ કરતો હતો, જેના કારણે લોકોમાં ભય અને ખોટી દહેશત ફેલાતી હતી. પોલીસે આરોપી પાસેથી મોટી એરગન – રૂ. 1000, નાની લાઇટર એરગન – રૂ. 100, ધાતુની તલવાર – 2 નંગ (રૂ. 1000), ધાતુની છરી – 1 નંગ (રૂ. 100) કુલ મુદામાલ કિંમત રૂ. 2200 નો મુદામાલ જપ્ત કરેલ છે. આ બનાવ અંગે સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી એસ.ઓ.જી. ઇન્ચાર્જ પી.આઈ. ડી.એમ. કાગડા તથા પી.એસ.આઈ. આર.એચ. સુવા ના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. દેવદાનભાઈ, હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ તથા અન્ય પોલીસ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. ગીર સોમનાથ પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે સોશ્યલ મીડીયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરે અને હથિયાર સાથેના ફોટા કે વીડિયો અપલોડ કરી દહેશત ફેલાવવાનો પ્રયાસ ન કરે, નહિતર કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
Read Original Article →