ગીર સોમનાથ જિલ્લા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખ પદની ચૂંટણી:દ્વારકદાસ દોમડિયા પ્રમુખ, શારદાબેન બામણિયા ઉપપ્રમુખ અને મહેન્દ્ર પીઠિયા કારોબારી ચેરમેન બન્યા

Gujarat5/25/2026, 10:56:48 AM
ગીર સોમનાથ જિલ્લા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખ પદની ચૂંટણી:દ્વારકદાસ દોમડિયા પ્રમુખ, શારદાબેન બામણિયા ઉપપ્રમુખ અને મહેન્દ્ર પીઠિયા કારોબારી ચેરમેન બન્યા
ગીર સોમનાથ જિલ્લા પંચાયતની નવી ટર્મની પ્રથમ સામાન્ય સભા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ભાજપે બહુમતી સાથે બંને પદ પર વિજય મેળવ્યો હતો. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ભાજપ તરફથી પ્રમુખ પદ માટે દ્વારકદાસ દોમડિયા અને ઉપપ્રમુખ પદ માટે શારદાબેન બામણિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. બંને ઉમેદવારો બહુમતીના જોરે વિજેતા જાહેર થયા હતા. ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લા પંચાયતની કુલ 28 બેઠકોમાંથી ભાજપે 22 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. જ્યારે કોંગ્રેસને 6 બેઠકો પર સંતોષ માનવો પડ્યો હતો. આ પરિણામે જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન નિશ્ચિત બન્યું હતું. ચૂંટણી પૂર્ણ થયા બાદ નવનિયુક્ત પ્રમુખ દ્વારકદાસ દોમડિયાએ શાસ્ત્રોક્ત વિધિ સાથે પદભાર સંભાળી સત્તાવાર રીતે ચાર્જ ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના વિવિધ સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, કારોબારી ચેરમેન તરીકે મહેન્દ્ર પીઠિયાની નિમણૂક કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના દંડક તરીકે દર્પિત ડોડીયાની વરણી કરવામાં આવી હતી, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે મોહન સોલંકીની પસંદગી કરવામાં આવી હતી. સભા પૂર્ણ થયા બાદ નવનિયુક્ત તમામ હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. હવે જિલ્લા પંચાયતની નવી ટીમ સામે વિકાસલક્ષી યોજનાઓને વધુ ગતિ આપવાની મોટી જવાબદારી રહેશે.
Read Original Article →