ગીર સોમનાથમાં 11 જૂનથી પૂરક પરીક્ષા શરૂ થશે:ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થાની સમીક્ષા કરાઈ

Gujarat6/4/2026, 11:26:31 AM
ગીર સોમનાથમાં 11 જૂનથી પૂરક પરીક્ષા શરૂ થશે:ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થાની સમીક્ષા કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાઓ આગામી 11 જૂનથી 20 જૂન, 2026 દરમિયાન યોજાશે. આ પરીક્ષાઓના સુચારુ આયોજન માટે નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલની અધ્યક્ષતામાં જિલ્લા પરીક્ષા સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત આ પરીક્ષાઓ માટે ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. વેરાવળ સ્થિત પ્રાંત કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા અને તમામ વ્યવસ્થાઓ સમયસર ઉપલબ્ધ કરાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે પરીક્ષા કેન્દ્રો સુધી વિદ્યાર્થીઓ સરળતાથી પહોંચી શકે તે માટે એસ.ટી. બસોની પૂરતી વ્યવસ્થા રાખવા સૂચના આપી હતી. ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને આરોગ્ય સેવાઓ, ઓ.આર.એસ. પેકેટની ઉપલબ્ધતા, તાત્કાલિક સારવારની વ્યવસ્થા અને પરીક્ષા કેન્દ્રો પર અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા, પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની ખાતરી કરવા તેમજ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને કાઉન્સેલિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવા અંગે પણ ચર્ચા થઈ હતી. પરીક્ષા કેન્દ્રો પર જરૂરી માનવબળ અને અન્ય સુવિધાઓની ઉપલબ્ધતાની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી. બોરિચાએ એસ.એસ.સી. અને એચ.એસ.સી. પૂરક પરીક્ષાના આયોજન, પરીક્ષાર્થીઓની સંખ્યા, પરીક્ષા કેન્દ્રોની તૈયારીઓ અને અન્ય વહીવટી બાબતો અંગે વિગતવાર માહિતી રજૂ કરી હતી. જિલ્લામાં ધોરણ-10ની પૂરક પરીક્ષા માટે મણિબહેન કોટક, શબાના ગર્લ્સ હાઈસ્કૂલ, અંકુર સૌરભ હાઈસ્કૂલ, ક્રિસ્ટલ હાઈસ્કૂલ, મહેક અને સનરાઈઝ માધ્યમિક શાળા, શ્રી અરુણ વિદ્યામંદિર તથા શ્રી વિનય મંદિરને પરીક્ષા કેન્દ્ર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા તાલાલા સ્થિત આઈ.ડી. ચૌહાણ કેન્દ્ર ખાતે યોજાશે, જ્યારે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા આદિત્ય બિરલા હાઈસ્કૂલ ખાતે લેવામાં આવશે. બેઠકમાં જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યો અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરીક્ષાના સફળ આયોજન માટે સંકલિત કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ નિર્ભય અને અનુકૂળ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
Read Original Article →