વેરાવળમાં 12 એપ્રિલે અવર ગીર સોમનાથ એજ્યુકેશન એક્સપો:ગુજરાતની નામાંકિત સંસ્થાઓ એક મંચ પર, વિદ્યાર્થીઓને મળશે સ્કોલરશિપ

Gujarat4/8/2026, 8:55:07 AM
વેરાવળમાં 12 એપ્રિલે અવર ગીર સોમનાથ એજ્યુકેશન એક્સપો:ગુજરાતની નામાંકિત સંસ્થાઓ એક મંચ પર, વિદ્યાર્થીઓને મળશે સ્કોલરશિપ
ગીર સોમનાથ જિલ્લાના વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને, અવર ગીર સોમનાથ ગ્રુપ દ્વારા 12 એપ્રિલે વેરાવળ-તાલાલા બાયપાસ પર આવેલા ન્યૂ ભાલકેશ્વર પાર્ટી પ્લોટ ખાતે એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપોમાં ગુજરાતની નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ એક મંચ પર ઉપલબ્ધ થશે. એક્સપોના ઉદ્ઘાટન પ્રસંગે તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ ધનાભાઈ બારડ અને જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. અવર ગીર સોમનાથ ગ્રુપ દ્વારા બાળકોના ભવિષ્ય માટે એડમિશન પ્રક્રિયામાં આવતી મુશ્કેલીઓને ધ્યાનમાં લેવામાં આવી છે. મોટા શહેરોમાં ભટકવું, ફી સ્ટ્રક્ચર સમજવું અને યોગ્ય સંસ્થા પસંદ કરવી જેવી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે આ એક્સપો એક જ સ્થળે તમામ વિકલ્પો પૂરા પાડશે. ઉલ્લેખનીય છે કે, 2024માં અવર ગીર સોમનાથ ગ્રુપ દ્વારા પ્રથમ વખત આવા એજ્યુકેશન એક્સપોનું આયોજન કરાયું હતું, જેમાં 25થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને હજારો વિદ્યાર્થીઓ-વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે તેમાં વધુ સુધારો કરીને આયોજન કરાયું છે અને 35થી વધુ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ એક મંચ પર હાજર રહેશે. આ એક્સપોમાં વિદ્યાર્થીઓને ₹50,000ની રોકડ સ્કોલરશિપ, વિવિધ સંસ્થાઓ તરફથી ફી માફી સ્કોલરશિપ અને નિષ્ણાતો દ્વારા મફત કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવશે. મોટિવેશનલ સ્પીકર મનીષભાઈ વઘાસિયા પણ વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન આપશે. અવર ગીર સોમનાથ એક્સપોના પ્રમોટર દિવ્યેશભાઈ જીવાભાઈ વાળાએ જણાવ્યું હતું કે, આ એક્સપોમાં આવતા તમામ વિદ્યાર્થીઓને નિશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. અવર ગીર સોમનાથની ઇન-હાઉસ ટીમ ઉપરાંત 50થી વધુ શૈક્ષણિક ક્ષેત્રના તજજ્ઞો આ આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.
Read Original Article →