ગીર સોમનાથ પંચાયત પ્રમુખ દોમડિયાએ શિક્ષણ વિભાગની કામગીરીની સમીક્ષા કરી:ડ્રોપઆઉટ ઘટાડવા અને 100%નામાંકન માટે માર્ગદર્શક સૂચનો આપ્યા
ગીર સોમનાથ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ દ્વારકાદાસ કનુભાઈ દોમડિયાએ ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ દિવસે શિક્ષણ વિભાગની મુલાકાત લીધી હતી. તેમણે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી અને નાયબ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીની મુલાકાત લઈ શૈક્ષણિક કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી. આ મુલાકાત દરમિયાન, પ્રમુખે જિલ્લામાં ચાલી રહેલી વિવિધ શિક્ષણલક્ષી પ્રવૃત્તિઓ, શાળાઓમાં અમલમાં રહેલી યોજનાઓ અને સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મુકાયેલી યોજનાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરીને વિવિધ કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી. પ્રમુખ દોમડિયાએ ખાસ કરીને જિલ્લામાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે વધુ અસરકારક આયોજન કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે નવા શૈક્ષણિક વર્ષમાં દરેક બાળકનું 100 ટકા નામાંકન સુનિશ્ચિત થાય તે માટે તંત્રને સક્રિય કામગીરી કરવા સૂચના આપી. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા અને પહોંચ બંને વધારવી એ આજની પ્રાથમિકતા છે. બાળકોને શિક્ષણથી વંચિત ન રહેવા દેવા માટે શાળા પ્રવેશોત્સવ સહિતની કામગીરીને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવી જરૂરી છે. વિભાગીય અધિકારીઓએ પ્રમુખને જિલ્લાની વર્તમાન શૈક્ષણિક સ્થિતિ, ચાલી રહેલી કામગીરી અને આગામી આયોજન અંગે માહિતી આપી હતી. પ્રમુખે વિભાગને શિક્ષણક્ષેત્રે વધુ સકારાત્મક પરિણામો માટે માર્ગદર્શક સૂચનો પણ આપ્યા.
Read Original Article →