ગીર સોમનાથમાં પેટ્રોલ પંપ પર ખેડૂતોનો હંગામો:ડીઝલ વિતરણમાં ભેદભાવનો આક્ષેપ, કારમાં હજારોનું ડીઝલ, ટ્રેક્ટરને 500નું પણ નહીં; ખેડૂતોમાં રોષ

Gujarat5/19/2026, 4:28:06 PM
ગીર સોમનાથમાં પેટ્રોલ પંપ પર ખેડૂતોનો હંગામો:ડીઝલ વિતરણમાં ભેદભાવનો આક્ષેપ, કારમાં હજારોનું ડીઝલ, ટ્રેક્ટરને 500નું પણ નહીં; ખેડૂતોમાં રોષ
ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત વચ્ચે પેટ્રોલ પંપ સંચાલકોની મનમાની સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. વેરાવળ-કોડીનાર રોડ પર સોનારીયા ફાટક નજીક આવેલા વિકાસ પેટ્રોલિયમ ખાતે ખેડૂતો સાથે થયેલા ગેરવર્તનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સામાન્ય ગ્રાહકો અને કારચાલકોને હજારો રૂપિયાનું ડીઝલ આપવામાં આવી રહ્યું હતું, જ્યારે ખેતી માટે અનિવાર્ય એવા ટ્રેક્ટરમાં ૫૦૦ રૂપિયાનું પણ ડીઝલ ભરવામાં આવતું ન હતું. પંપ કર્મચારીઓએ ખેડૂતોને "મર્યાદિત જથ્થો" હોવાનું કારણ આપી પરત મોકલવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ, તે જ સમયે કેટલાક ફોરવ્હીલ વાહનોમાં મોટા પ્રમાણમાં ડીઝલ ભરાતું જોઈ ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ખેડૂતો દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવતા પંપ સંચાલક અને સ્ટાફ દ્વારા ઉદ્ધત વર્તન કરાયું હોવાના ગંભીર આક્ષેપો થયા છે. ઘટનાસ્થળે ભારે બોલાચાલીનો માહોલ સર્જાયો હતો. કેટલાક ખેડૂતોએ મોબાઈલમાં વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેમાં તેઓ પંપ સંચાલકો સામે ભેદભાવપૂર્ણ વર્તન અને દાદાગીરીના આક્ષેપો કરતા જોવા મળે છે. ખેડૂતોનું કહેવું છે કે હાલ ખેતીના કામકાજનો સમય ચાલી રહ્યો છે અને ટ્રેક્ટર તેમજ કૃષિ સાધનો માટે ડીઝલ અનિવાર્ય છે. આવા સમયે જો પેટ્રોલ પમ્પો મનસ્વી રીતે ડીઝલ આપવાનું બંધ કરશે તો ખેતી પર સીધી અસર પડશે. કેટલાક ખેડૂતોએ એ પણ આક્ષેપ કર્યો કે "ઓળખાણ અને પ્રભાવ" ધરાવતા લોકોને સરળતાથી ડીઝલ મળી જાય છે, જ્યારે સામાન્ય ખેડૂતને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં નિરાશ થવું પડે છે. ઘટનાને પગલે જિલ્લા પુરવઠા વિભાગ પણ હરકતમાં આવ્યું છે. જિલ્લા પુરવઠા અધિકારીએ સમગ્ર મામલે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. જોકે, ખેડૂતોમાં હજુ પણ રોષ યથાવત છે અને તેઓએ પારદર્શક વહેંચણી વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરી છે. હાલ જિલ્લામાં પેટ્રોલિયમની અછત વચ્ચે અનેક વિસ્તારોમાં લાંબી લાઈનો, મર્યાદિત વેચાણ અને ગ્રાહકો સાથે ગેરવર્તનની ફરિયાદો સતત સામે આવી રહી છે. સોનારીયા ફાટકની આ ઘટના ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલની અછત અને પંપ સંચાલકોની મનમાનીનો એક જીવંત દાખલો બની છે.
Read Original Article →