સૌરાષ્ટ્ર સિમેન્ટના માઇનિંગ વિસ્તરણ અંગે લોક સુનાવણી:રોજગારી-વિકાસની દૃષ્ટિએ ભાજપ નેતાઓનું સમર્થન, કોંગ્રેસે પર્યાવરણ સંબંધી કારણો જણાવી વિરોધ કર્યો

Gujarat5/26/2026, 12:09:04 PM
સૌરાષ્ટ્ર સિમેન્ટના માઇનિંગ વિસ્તરણ અંગે લોક સુનાવણી:રોજગારી-વિકાસની દૃષ્ટિએ ભાજપ નેતાઓનું સમર્થન, કોંગ્રેસે પર્યાવરણ સંબંધી કારણો જણાવી વિરોધ કર્યો
ગીર સોમનાથ જિલ્લાના પાટણ-વેરાવળ તાલુકાના ખંઢેરી ગામે યોજાયેલી મેસર્સ સૌરાષ્ટ્ર સિમેન્ટ લી.ની પર્યાવરણીય લોકસુનાવણી દરમિયાન સમર્થન અને વિરોધના સૂરો વચ્ચે ગરમાવો જોવા મળ્યો હતો. રોજગારીના હેતુ સાથે ભાજપ નેતાઓએ આ વિસ્તરણને સમર્થન આપ્યું હતું, જ્યારે કોંગ્રેસે પર્યાવરણ સંબંધી કારણો જણાવી વિસ્તરણનો વિરોધ કર્યો હતો. લાઇમસ્ટોન ઉત્પાદન ક્ષમતા 1.0 મિલિયન ટન પ્રતિ વર્ષ કરવાની પ્રસ્તાવિત યોજના ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી, જુનાગઢ દ્વારા સંચાલિત આ લોકસુનાવણીમાં કંપની દ્વારા ભેટાળી ગામે સર્વે નં. 61/પીની ખરાબા જમીન પર આવેલી 51.92.15 હેક્ટર માઇન લીઝ વિસ્તારમાં લાઇમસ્ટોન ઉત્પાદન ક્ષમતા 0.144 મિલિયન ટન પ્રતિ વર્ષથી વધારીને 1.0 મિલિયન ટન પ્રતિ વર્ષ કરવાની પ્રસ્તાવિત યોજનાને લઈ ચર્ચા થઈ હતી. ખંઢેરી ગામે સ્વ. વી.પી. ઝાલા સ્કૂલના મેદાનમાં યોજાયેલી આ સુનાવણી ગીર સોમનાથ જિલ્લાના ઇન્ચાર્જ અધિક કલેક્ટર યોગેશ જોશીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ પ્રસંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી ત્રિવેદી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિકાસ, રોજગારીની દૃષ્ટિએ ભાજપ નેતાઓનું સમર્થન લોકસુનાવણીમાં સ્થાનિક ધારાસભ્ય ભગવાન બારડ, પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ, ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ માનસિંગ પરમાર, પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા સહિત ભાજપના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમણે કંપનીના વિસ્તરણથી રોજગારીની તકોમાં વધારો થશે તેમજ સ્થાનિક વિકાસને ગતિ મળશે તેવી દલીલ સાથે સમર્થન વ્યક્ત કર્યું હતું. પર્યાવરણ પર પ્રતિકૂળ અસર થશે : કોંગ્રેસ જોકે બીજી તરફ ભેટાળી ગામના સરપંચ, ઉપસરપંચ તથા કોંગ્રેસના તાલુકા પ્રમુખ હિરેન બમરોટીયા સહિત અનેક ગ્રામજનોએ યોજનાનો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધકર્તાઓએ પર્યાવરણ પર પડનારી અસર, ધૂળ પ્રદૂષણ, પાણીના સ્ત્રોતો અને સ્થાનિક ખેડૂતો-પશુપાલકોના હિતોને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા. લોકસુનાવણી દરમિયાન બંને પક્ષોએ પોતાના અભિપ્રાયો રજૂ કરતાં વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જળવાય તે મુદ્દે ચર્ચા કેન્દ્રસ્થાને રહી હતી. હવે રજૂ થયેલા અભિપ્રાયો અને વાંધાઓના આધારે સંબંધિત તંત્ર દ્વારા આગામી નિર્ણય પ્રક્રિયા હાથ ધરાશે.
Read Original Article →