ગીર સોમનાથમાં પ્રથમવાર આહીરાણી શક્તિનું ભવ્ય પ્રદર્શન:આહીર સમાજની બહેનો માટે બિઝનેસ એક્સ્પોનું અનોખું આયોજન, નારીશક્તિને મળશે આત્મનિર્ભરતા અને નવા વ્યવસાયિક અવસર

Gujarat5/28/2026, 2:50:22 AM
ગીર સોમનાથમાં પ્રથમવાર આહીરાણી શક્તિનું ભવ્ય પ્રદર્શન:આહીર સમાજની બહેનો માટે બિઝનેસ એક્સ્પોનું અનોખું આયોજન, નારીશક્તિને મળશે આત્મનિર્ભરતા અને નવા વ્યવસાયિક અવસર
ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ વખત આહીર સમાજની બહેનો માટે આધુનિક સમયના પ્રવાહ સાથે તાલમેલ બેસાડતું અને નારીશક્તિને ઉજાગર કરતું અનોખું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ઓલ ઇન્ડિયા યાદવ મહાસભા અને યદુવંશી શ્રી કૃષ્ણવંશી આહીરાણી સંગઠન, ગીર સોમનાથ દ્વારા તા. 29 અને 30 મે દરમિયાન ચીર સોમનાથ સ્થિત આહીર સમાજ વાડી ખાતે “આહીરાણી બિઝનેસ એક્સ્પો”નું આયોજન કરવામાં આવ્યું છે, જે જિલ્લામાં મહિલા સશક્તિકરણની દિશામાં ઐતિહાસિક પહેલ માનવામાં આવી રહી છે. સમાજમાં મહિલાઓ હવે માત્ર ઘરગથ્થુ જવાબદારીઓ પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ વ્યવસાય, ઉદ્યોગ, સ્ટાર્ટઅપ અને સ્વરોજગારના ક્ષેત્રે પણ સશક્ત ઉપસ્થિતિ નોંધાવી રહી છે. આ બદલાતા સમયને ધ્યાનમાં રાખીને આયોજિત આ એક્સ્પો મહિલાઓની પ્રતિભા, કૌશલ્ય અને સર્જનાત્મકતાને વ્યાપક મંચ પૂરું પાડશે. એક્સ્પોમાં આહીર સમાજની બહેનો દ્વારા ઘરઉદ્યોગ, હેન્ડીક્રાફ્ટ, ફૂડ પ્રોડક્ટ્સ, ફેશન-ડિઝાઇનિંગ, બ્યુટી-વેલનેસ, હસ્તકલા, કૃષિ આધારિત ઉત્પાદનો અને વિવિધ સ્વરોજગાર આધારિત સ્ટોલ્સ રજૂ કરવામાં આવશે. જેના દ્વારા મહિલાઓને પોતાના ઉત્પાદનોને પ્રદર્શિત કરવાની સાથે બજાર વ્યવસ્થા, ગ્રાહક જોડાણ અને વ્યવસાયિક વિસ્તરણ અંગે માર્ગદર્શન પણ મળશે. આ આયોજનનો મુખ્ય હેતુ મહિલાઓને આત્મનિર્ભરતા તરફ પ્રેરિત કરવાનો, તેમની વ્યવસાયિક ક્ષમતાને ઓળખ અપાવવાનો અને સમાજમાં નારીશક્તિની નવી ઓળખ ઉભી કરવાનો છે. ખાસ કરીને યુવા બહેનો માટે આ એક્સ્પો પ્રેરણાદાયી પ્લેટફોર્મ સાબિત થશે, જ્યાં તેઓ સફળ મહિલા ઉદ્યોગસાહસિકોના અનુભવોમાંથી માર્ગદર્શન મેળવી શકશે. આયોજકોના જણાવ્યા મુજબ ગીર સોમનાથ જિલ્લામાં આ પ્રકારનું આ પ્રથમ આયોજન છે, જે સમાજમાં નવી વિચારધારા અને પ્રગતિશીલ અભિગમને આગળ વધારશે. સમાજના દરેક વર્ગને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આહીરાણી શક્તિના આ અનોખા ઉત્સવને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે. આ બિઝનેસ એક્સ્પો માત્ર પ્રદર્શન પૂરતું નહીં, પરંતુ ગીર સોમનાથમાં મહિલા સશક્તિકરણ અને સામાજિક પ્રગતિના નવા અધ્યાયની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યું છે. ત્યારે આ ભવ્ય પ્રદર્શની માં ગીર સોમનાથ જિલ્લા ના દરેક નાગરિકો ખાસ કરીને બહેનોને અવશ્ય મુલાકાત લેવા જાહેર આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે.
Read Original Article →