વેરાવળ રેન્જમાં 20થી વધુ સિંહો પર 24 કલાક નજર:સિંહોમાં CDV અને બેબેસિયા રોગચાળાને લઈ તંત્ર એલર્ટ; જરૂર પડે રસીકરણ માટે પણ તૈયારી: ACF
ગુજરાતનું ગૌરવ અને વિશ્વવિખ્યાત એશિયાટિક સિંહો પર ફરી એકવાર ગંભીર સંકટના વાદળો ઘેરાયા છે. સૌરાષ્ટ્રના ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વનવિભાગ વિસ્તારમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબેસિયા જેવા જીવલેણ રોગચાળાના કારણે ટૂંકા ગાળામાં 8થી વધુ સિંહો અને સિંહબાળના મોત થતા સમગ્ર વનતંત્ર સતર્ક બની ગયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ રેન્જમાં પણ યુદ્ધના ધોરણે બચાવ અને મોનીટરીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. સિંહો પર સતત 24 કલાક ઓબ્ઝર્વેશન
વેરાવળ રેન્જના ઇન્ચાર્જ એ.સી.એફ. યોગેશ કલસરીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગીર વિસ્તારમાં ફેલાયેલા રોગચાળાની અસરને ધ્યાને લઈ ચોરવાડથી લઈને મૂળદ્વારકા સુધીના કોસ્ટલ ફોરેસ્ટ તેમજ રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરતા 20થી વધુ સિંહો પર સતત 24 કલાક ઓબ્ઝર્વેશન રાખવામાં આવી રહ્યું છે. વન વિભાગના ટ્રેકર્સ, ગાર્ડ અને ફિલ્ડ સ્ટાફની વિશેષ ટીમો દિવસ-રાત મેદાનમાં રહી દરેક સિંહની હિલચાલ, ખોરાક, વર્તન અને આરોગ્ય પર બારીક નજર રાખી રહી છે. વેરાવળ રેન્જમાં તમામ સિંહો સંપૂર્ણ સ્વસ્થ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ સુધી વેરાવળ રેન્જમાં વસવાટ કરતા તમામ સિંહો સંપૂર્ણ સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે અને કોઈમાં પણ ચિંતાજનક લક્ષણો જોવા મળ્યા નથી. તેમ છતાં પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જો જરૂર જણાશે તો તાત્કાલિક રસીકરણ અને સારવાર માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. ‘કોઈ પણ પ્રકારની બેદરકારી દાખવવામાં આવશે નહીં’
વન વિભાગ દ્વારા સિંહોના રહેઠાણ વિસ્તાર આસપાસ વિશેષ પેટ્રોલિંગ, મોનીટરીંગ અને સેમ્પલિંગ પ્રક્રિયા પણ તેજ બનાવવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે, ગીરના અમૂલ્ય વનરાજને સુરક્ષિત રાખવા માટે કોઈ પણ પ્રકારની બેદરકારી દાખવવામાં આવશે નહીં. ગીરના જંગલમાં ઉભી થયેલી આ પરિસ્થિતિ માત્ર વનવિભાગ માટે નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે ચિંતાનો વિષય બની છે. હવે સૌની નજર વનવિભાગની સઘન કામગીરી પર ટકેલી છે કે કેવી રીતે ગુજરાતના ગૌરવ સમાન એશિયાટિક સિંહોને આ સંકટમાંથી સુરક્ષિત બહાર લાવવામાં આવે.
Read Original Article →