ગીર સોમનાથમાં પરપ્રાંતીય મજૂરો મુદ્દે કડક કાર્યવાહી:જીંગા ફાર્મ સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
ગીર સોમનાથ જિલ્લામાં પરપ્રાંતીય મજૂરોને કામે રાખવા અંગેના નિયમોના પાલન માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લામાં ચાલી રહેલા ચેકિંગ અભિયાન દરમિયાન એક જીંગા ફાર્મ સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધાતા અન્ય ઉદ્યોગકારોમાં ચિંતા ફેલાઈ છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અગાઉ જાહેર કરાયેલા આદેશ મુજબ, કોઈપણ સંસ્થા, ઉદ્યોગ, ફાર્મ, હોટલ કે કોન્ટ્રાક્ટર દ્વારા પરપ્રાંતીય મજૂરોને કામે રાખતા પહેલાં તેમની સંપૂર્ણ માહિતી નિર્ધારિત નમૂનામાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવી ફરજિયાત છે. આ નિયમનો મુખ્ય હેતુ કાયદો અને વ્યવસ્થા જાળવવાનો તેમજ અજાણ્યા તત્વો પર નિયંત્રણ રાખવાનો છે. એસ.ઓ.જી. ઇન્ચાર્જ પી.આઈ. ડી.એમ. કાગડા અને પો.સબ.ઇન્સ્પેક્ટર આર.એચ. સુવાના માર્ગદર્શન હેઠળ ટીમે વેરાવળ સિટી અને પ્રભાસ પાટણ વિસ્તારના હોટલ, રેસ્ટોરન્ટ અને ઔદ્યોગિક એકમોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન દારી ગામ નજીક દૌભાઈની દરગાહ પાસે આવેલા એક જીંગા ફાર્મમાં પરપ્રાંતીય મજૂરને કામે રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું, પરંતુ તેની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી નહોતી. આ ઘટનાને પગલે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં જીંગા ફાર્મના માલિક નિરવ ગોવિંદ ચોમલ (ઉંમર 29, રહે. વેરાવળ) સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે, આ પ્રકારની બેદરકારી કાયદાકીય રીતે ગંભીર ગણાય છે અને તેના સામે કડક પગલાં લેવામાં આવશે. પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જિલ્લામાં કાર્યરત તમામ ઉદ્યોગકારો, મજૂર ઠેકેદારો, સપ્લાયરો અને સંચાલકોએ પરપ્રાંતીય મજૂરોની માહિતી ફરજિયાતપણે પોલીસને આપવી પડશે. નિયમોનું પાલન ન કરનારાઓ સામે આગામી દિવસોમાં વધુ સખત કાર્યવાહી હાથ ધરાશે. આ કાર્યવાહીથી જિલ્લામાં સંચાલકોમાં સતર્કતા વધવાની સાથે કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ સંદેશ પણ ગયો છે કે નિયમોનો ભંગ હવે સહન કરવામાં નહીં આવે.
Read Original Article →