ગીર-સોમનાથ કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની ખેડા બદલી:ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નર જીતેન્દ્ર વાઘેલા નવા કલેક્ટર નિયુક્ત

Gujarat5/13/2026, 10:36:43 AM
ગીર-સોમનાથ કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની ખેડા બદલી:ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નર જીતેન્દ્ર વાઘેલા નવા કલેક્ટર નિયુક્ત
રાજ્ય સરકારે બુધવારે મોટા પાયે વહીવટી ફેરબદલ જાહેર કર્યા છે, જેમાં કુલ 72 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયનો પણ સમાવેશ થાય છે. એન.વી. ઉપાધ્યાયની બદલી કરીને ખેડા જિલ્લાના કલેકટર નિયુક્ત કરવામાં આવ્યાં છે. તેમની જગ્યાએ ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજ બજાવતા જીતેન્દ્ર વાઘેલાને ગીર સોમનાથ જિલ્લાના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના આદેશ બાદ જીતેન્દ્ર વાઘેલા ટૂંક સમયમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળશે. ઉલ્લેખનીય છે કે એન.વી. ઉપાધ્યાયે ગત વર્ષે 09 મેના રોજ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. એક વર્ષના ટૂંકા ગાળામાં જ તેમની બદલી થતા વહીવટી વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ છે. તેમના કાર્યકાળ દરમિયાન જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓ, તંત્રની કામગીરીમાં ગતિ અને સોમનાથ અમૃતપર્વ જેવી મહત્વપૂર્ણ તૈયારીઓમાં તેમની સક્રિય ભૂમિકા રહી હતી. નવા કલેક્ટર જીતેન્દ્ર વાઘેલા પાસે મ્યુનિસિપલ તેમજ વહીવટી ક્ષેત્રનો વિશાળ અનુભવ છે. ગીર સોમનાથ જેવા ધાર્મિક અને પ્રવાસન મહત્વ ધરાવતા જિલ્લામાં હવે તેમની સામે વિકાસ, ટ્રાફિક વ્યવસ્થા, પ્રવાસન સુવિધાઓ અને તંત્રના સંકલનની મોટી જવાબદારીઓ રહેશે. રાજ્ય સરકારની આ વ્યાપક IAS બદલીઓ બાદ અનેક જિલ્લાઓ અને મહાનગરોમાં વહીવટી માળખામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે.
Read Original Article →