ડારી ગામે જાહેર રસ્તા પર દબાણ:સરપંચની આગેવાનીમાં તંત્રને રસ્તો ખુલ્લો કરવા આવેદન
વેરાવળ તાલુકાના ડારી ગામે જાહેર સીમ વિસ્તારના ગાડા માર્ગ પર દબાણ થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગામના સરપંચ ફારૂકભાઈ આકાણીની આગેવાની હેઠળ ખેડૂતોએ તંત્રને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક દબાણ દૂર કરવાની માંગ કરી છે. સરપંચ ફારૂકભાઈ આકાણી અને ખેડૂતોના જણાવ્યા અનુસાર, ડારી ગામની સીમમાં કબ્રસ્તાન પાછળથી હાજી જમાલ પઠાણના ખેતર સુધી અને ત્યાંથી સરમણ બાકુની વાડી સુધી જાહેર ગાડા માર્ગ આવેલો છે. આ રસ્તાની બંને બાજુએ જાડી જાખરા, ધૂળના પાડા અને બાવળોના દબાણને કારણે માર્ગ અત્યંત સંકુચિત બની ગયો છે. આ સંકુચિત માર્ગને કારણે સ્થાનિક ખેડૂતોને રોજિંદા ખેતીકામમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ટ્રેક્ટર અને અન્ય ખેતીવાડીના સાધનો ખેતરો સુધી લઈ જવામાં મુશ્કેલી પડે છે. વાહનો પસાર કરતી વખતે ઘણીવાર પાકને પણ નુકસાન થાય છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં પરિસ્થિતિ વધુ ગંભીર બને છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડે છે. આ વિસ્તાર ખારા પાણીનો હોવાથી અહીં સિઝનમાં બે પાકનું ઉત્પાદન લેવાય છે, પરંતુ રસ્તાની ખરાબ હાલત પાકના પરિવહન અને ખેતીકામના સાધનોની અવરજવરમાં મોટી અડચણ ઊભી કરે છે. ખેડૂતો અને સરપંચે તંત્ર સમક્ષ માંગ કરી છે કે જાહેર રસ્તા પરના તમામ દબાણો તાત્કાલિક દૂર કરીને માર્ગને ખુલ્લો કરવામાં આવે, જેથી ખેડૂતોને રાહત મળે અને ખેતીકાર્ય સરળ બની શકે. હવે તંત્ર આ રજૂઆત પર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.
Read Original Article →