કોડીનારમાં લગ્નના 3 જ મહિનામાં પતિએ કરી પત્નીની હત્યા:દોરી વડે પત્નીનું ગળું દાબી દીધું, પહેલા આત્મહત્યા કરી હોવાનું કહ્યું; 2 દિવસ બાદ ગુનો કબૂલ્યો

Gujarat5/26/2026, 2:16:19 PM
કોડીનારમાં લગ્નના 3 જ મહિનામાં પતિએ કરી પત્નીની હત્યા:દોરી વડે પત્નીનું ગળું દાબી દીધું, પહેલા આત્મહત્યા કરી હોવાનું કહ્યું; 2 દિવસ બાદ ગુનો કબૂલ્યો
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવલપુર ગામમાં બે દિવસ પહેલાં બનેલી એક મહિલાના મોતના મામલામાં એક ચોંકાવનારો અને કંપારી છૂટી જાય તેવો ખુલાસો સામે આવ્યો છે. શરૂઆતમાં જે ઘટનાને આત્મહત્યા ગણાવવામાં આવી રહી હતી, તે હકીકતમાં એક ક્રૂર હત્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પત્નીએ ગળાફાંસો ખાધો હોવાનો દાવો કરનાર પતિ જ તેનો અસલી હત્યારો નીકળ્યો છે. રવિ અને રાધિકાએ પ્રેમલગ્ન કર્યા હતા મળતી માહિતી મુજબ, મૃતક મહિલા રાધિકાના લગ્ન આજથી ત્રણેક મહિના પહેલાં ગામના જ રવિ બાલુભાઈ સોલંકી સાથે થયા હતા. સ્થાનિક સ્તરે થતી ચર્ચાઓ મુજબ, આ બંને એકબીજાને પસંદ કરતા હતા અને ત્યાર બાદ જ તેમણે પરિવારની સંમતિથી લગ્ન કર્યા હતા. જોકે, કોઈને અંદાજ નહોતો કે પ્રેમલગ્નનો આ અંજામ આટલો ભયાનક અને ટૂંકો હશે. ઘટનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો લગ્નના હજી માંડ ત્રણ મહિના પૂરા થયા હતા ત્યાં 25 મે, 2026ના રોજ સવારે રવિ સોલંકીએ પરિવારજનોને જણાવ્યું કે રાધિકાએ ગળાફાંસો ખાઈ લીધો છે અને પોતે જ તેના મૃતદેહને નીચે ઉતાર્યો છે. પ્રથમ દ્રષ્ટિએ આ આત્મહત્યાનો મામલો લાગતો હતો, પરંતુ સત્ય કંઈક અલગ જ હતું. રાધિકાના શંકાસ્પદ મોત બાદ મૃતદેહને તાત્કાલિક કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના ડોક્ટર અને પોલીસે ગળા પરના નિશાન જોતા જ શંકા ઊભી થઈ હતી. આત્મહત્યા અને ટૂંપો આપીને હત્યા કરવાના નિશાનોમાં તફાવત હોવાના કારણે, પોલીસે ઊંડાણપૂર્વકની વૈજ્ઞાનિક તપાસ માટે મૃતદેહને જામનગર FSL ખાતે મોકલવાનો નિર્ણય કર્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપી ભાંગી પડ્યો આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કોડીનાર પોલીસના હેડ કોન્સ્ટેબલ દિનેશ પરમાર, ASI સહદેવસિંહ તેમજ સર્વેલન્સ ટીમ દ્વારા દેવલપુર ગામમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે ગામના અલગ-અલગ લોકોના નિવેદનો લીધા અને શંકાસ્પદ જણાતા મૃતકના પતિ રવિ સોલંકીની ક્રોસ પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની આકરી અને આગવી ઢબે થયેલી પૂછપરછ સામે આરોપી રવિ લાંબો સમય ટકી શક્યો નહીં અને આખરે તે ભાંગી પડ્યો હતો. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે તેણે જ પોતાની પત્ની રાધિકાની દોરી વડે ફાંસો આપીને હત્યા કરી હતી. જમવા બાબતે સામાન્ય વિવાદમાં હત્યા કરી આરોપી રવિએ ગુનાની કબૂલાત કરતા જણાવ્યું કે, છેલ્લા ત્રણ દિવસથી પતિ-પત્ની વચ્ચે જમવા બાબતે નાનો-મોટો વિવાદ ચાલી રહ્યો હતો. 24 મેની રાત્રે જ્યારે બંને પોતાના બેડરૂમમાં હતા, ત્યારે ફરી આ જ બાબતે ઝઘડો ઉગ્ર બન્યો હતો. આવેશમાં આવીને રવિએ રૂમમાં રહેલી દોરી વડે રાધિકાને ફાંસો આપી દીધો હતો, જેના કારણે ગૂંગળામણ થવાથી તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પોલીસ કસ્ટડી અને આગળની કાર્યવાહી જોકે જામનગર ખાતેથી પોસ્ટમોર્ટમનો વિગતવાર રિપોર્ટ આવવાનો હજુ બાકી છે, પરંતુ આરોપી પતિએ પોતે જ ગુનાની કબૂલાત કરી લેતા કોડીનાર પોલીસે રવિ બાલુભાઈ સોલંકીની સત્તાવાર ધરપકડ કરી લીધી છે અને તેની સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માત્ર ત્રણ મહિનાના ટૂંકા લગ્નજીવનનો આ રીતે કરુણ અંત આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
Read Original Article →